April 1, 2026
ગુજરાત

ATMની ટેકનિકલ ખામી બેંકને પડી ભારે: 10,000 ના બદલે ગ્રાહકને ચૂકવવું પડશે 3.28 લાખથી વધુનું વળતર

04:25:00 PM
Save
Mar 20, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ATMની ટેકનિકલ ખામી બેંકને પડી ભારે:</span> 10,000 ના બદલે ગ્રાહકને ચૂકવવું પડશે 3.28 લાખથી વધુનું વળતર</strong></p>

આધુનિક યુગમાં ડિજિટલ બેંકિંગ અને એટીએમ (ATM) સુવિધાએ આપણું જીવન સરળ બનાવ્યું છે, પરંતુ ક્યારેક તેમાં સર્જાતી ટેકનિકલ ખામીઓ ગ્રાહકો માટે મોટી મુસીબત બની જતી હોય છે. ટેકનિકલ એરરને કારણે એટીએમમાંથી રોકડ ન નીકળે અને ખાતામાંથી રકમ ડેબિટ થઈ જાય ત્યારે ગ્રાહકની હાલત કફોડી થાય છે. સુરતમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં બેંકની બેદરકારી અને ગ્રાહકની રજૂઆત પ્રત્યેના ઉદાસીન વલણને કારણે ગ્રાહક અદાલતે ઐતિહાસિક ચુકાદો આપતા બેંકને મૂળ રકમ કરતા અંદાજે 30 ગણી વધુ રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે.

નવ વર્ષ લાંબી કાયદાકીય લડતની વિગત

આ ઘટના 18 ફેબ્રુઆરી, 2017 ના રોજ બની હતી. સુરતના ઉધના વિસ્તારના એક ગ્રાહકે SBI ના એટીએમમાંથી 10,000 રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. મશીનમાંથી રોકડ ન નીકળી પરંતુ ગ્રાહકના ખાતામાંથી પૈસા કપાઈ ગયાનો મેસેજ આવ્યો. આ અંગે ગ્રાહકે પોતાની બેંક, Bank of Baroda (ડુંભાલ શાખા) માં વારંવાર રજૂઆતો કરી, ઈમેઈલ કર્યા અને RTI દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવવા પણ પ્રયાસ કર્યો, પરંતુ બેંકે કોઈ યોગ્ય ઉકેલ ન આપતા મામલો ગ્રાહક ફોરમમાં પહોંચ્યો હતો.

બેંકની દલીલો અને આયોગનું અવલોકન

સુનાવણી દરમિયાન બેંકે બચાવ કર્યો હતો કે એટીએમ અન્ય બેંકનું હતું અને તેમના રેકોર્ડમાં ટ્રાન્ઝેક્શન 'સફળ' નોંધાયેલું હતું. જોકે, ગ્રાહક આયોગે આ દલીલોને ફગાવી દેતા જણાવ્યું હતું કે RBI ના નિયમો મુજબ, નિષ્ફળ ટ્રાન્ઝેક્શનની રકમ 5 દિવસમાં પરત થવી જોઈએ. બેંક ટ્રાન્ઝેક્શન સફળ હોવાના કોઈ નક્કર પુરાવા રજૂ કરી શકી નથી. ગ્રાહકની માનસિક સતામણી અને આર્થિક નુકસાન માટે બેંક જ જવાબદાર છે.

ઐતિહાસિક વળતરનો આદેશ

ગ્રાહક આયોગે બેંક ઓફ બરોડાને ગ્રાહકના પક્ષમાં નીચે મુજબની રકમ ચૂકવવા આદેશ કર્યો છે:

મૂળ રકમ: 10,000 રૂપિયા (વાર્ષિક 9% વ્યાજ સાથે).

દૈનિક પેનલ્ટી: વળતરમાં વિલંબ બદલ દરરોજ 100 રૂપિયા લેખે 3,288 દિવસનું કુલ 3,28,800 રૂપિયા વળતર.

અન્ય ખર્ચ: માનસિક ત્રાસ બદલ 3,000 અને કાનૂની ખર્ચ પેટે 2,000 રૂપિયા.

આમ, માત્ર 10,000 રૂપિયા માટે બેંકે કરેલી આડોડાઈ હવે તેમને 30 ગણું ચુકવવું પડ્યું છે. આ ચુકાદો બેંકો માટે એક લાલબત્તી સમાન છે કે ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ સમયસર કરવું અનિવાર્ય છે.