વડોદરાવાસીઓ માટે માઠા સમાચાર: 23-24 માર્ચે પાણીકાપ, 1 લાખ પરિવારો પ્રભાવિત
ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત સાથે જ પાણીની જરૂરિયાત વધી જતી હોય છે. આવા સમયે પાઇપલાઇનનું જોડાણ કે રિપેરિંગની કામગીરી અનિવાર્ય હોવા છતાં, તે સ્થાનિક રહીશો માટે મુશ્કેલી ઊભી કરે છે. વહીવટી તંત્ર દ્વારા અગાઉથી આપવામાં આવતી પાણીકાપની સૂચના નાગરિકોને પાણીનો યોગ્ય સંગ્રહ કરવા અને આયોજનબદ્ધ વપરાશ કરવા માટે પ્રોત્સાહિત કરે છે, જેથી મેન્ટેનન્સ દરમિયાન દૈનિક કાર્યોમાં અવરોધ ન આવે.
કપુરાઈ ટાંકી વિસ્તારમાં અસર
વડોદરા મહાનગરપાલિકાની પાણી પુરવઠા શાખા દ્વારા કપુરાઈ ટાંકી ખાતે 600 mm ની ડિલિવરી લાઈન સાથે જોડાણની કામગીરી સોમવાર, 23 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે. 23 માર્ચના રોજ સાંજનો પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. મંગળવાર, 24 માર્ચના રોજ સવારનું પાણી નિર્ધારિત સમય કરતાં મોડું આવશે અને ઓછા પ્રેશરથી આપવામાં આવશે. આ કામગીરીને કારણે આશરે 50,000 થી વધુ લોકોને સીધી અસર થશે.
ગાયત્રીનગર ટાંકી વિસ્તારમાં ફ્લો મીટર ફિટિંગ
ગાયત્રીનગર પાણીની ટાંકી ખાતે 450 mm વ્યાસની મુખ્ય ફીડર લાઈનમાં ફ્લો મીટર ફિટ કરવાની કામગીરી હાથ ધરાનાર છે. 23 માર્ચના રોજ સવારનો પાણી પુરવઠો આપ્યા બાદ કામગીરી શરૂ થશે. આ ફેરફારને કારણે સોમવારે સાંજે આ વિસ્તારના તમામ ઝોનમાં પાણી મોડું આવશે અને ઓછા દબાણ સાથે ખૂબ જ ટૂંકા સમય માટે ઉપલબ્ધ રહેશે.
તંત્રની અપીલ
પાલિકાના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આશરે 1 લાખ ઘરોમાં પાણીની અછત સર્જાઈ શકે છે. આથી, કપુરાઈ અને ગાયત્રીનગર હેઠળ આવતા તમામ વિસ્તારોના રહીશોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ અગાઉથી જરૂરી પાણીનો સંગ્રહ કરી લે, જેથી ઉનાળાની ગરમીમાં મુશ્કેલી ન પડે.