April 1, 2026
જય કિસાન

પાણી નહીં, આ તો ખેડૂતોની આશા વહી ગઈ! સુઈગામના કોરેટીમાં કેનાલ તૂટતા ભારે નુકસાન

10:52:00 AM
Save
Mar 23, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>પાણી નહીં, આ તો ખેડૂતોની આશા વહી ગઈ!</strong></span> સુઈગામના કોરેટીમાં કેનાલ તૂટતા ભારે નુકસાન</p>

બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં આવેલ સુઈગામ તાલુકાના કોરેટી ગામમાં નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો ભોગ ખેડૂતો બન્યા છે. ગામની માઈનોર કેનાલમાં મોટું ગાબડું પડવાના કારણે અંદાજે 40 વીઘાથી વધુ જમીનમાં લહેરાતો તૈયાર પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેને પગલે ધરતીપુત્રોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. કોરેટી ગામની સીમમાં બે દિવસ પૂર્વે કેનાલ તૂટી હતી. ખેડૂતોએ રાત-દિવસ એક કરીને ઘઉં, ચણા અને બાજરીનો પાક ઉછેર્યો હતો.

માવઠાની કુદરતી આફતમાંથી માંડ બચેલા ખેડૂતો પર હવે તંત્રની બેદરકારીના કારણે 'માનવસર્જિત આફત' ત્રાટકી છે. ખેડૂતોના આક્ષેપ મુજબ, બે દિવસ વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા પાણી બંધ કરવાની તસ્દી લેવામાં આવી નથી, જેના કારણે તૈયાર પાક પાણીમાં સડી રહ્યો છે.સ્થાનિક ખેડૂતોમાં તંત્ર સામે પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કેનાલના નિર્માણમાં અત્યંત હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે.

અગાઉ અનેકવાર રજૂઆતો કરવા છતાં જર્જરિત કેનાલનું સમારકામ કરવામાં આવ્યું નહોતું,એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે વારંવાર ગાબડા પડવાની ઘટનાઓ બની રહી છે, જેનો ભોગ નિર્દોષ ખેડૂતો બની રહ્યા છે.દેવું કરીને ખેતી કરનારા ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા છે. ગ્રામજનોની માંગ છે કે આ મામલે જવાબદાર ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેમજ નુકસાન પામેલા ખેડૂતોને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય વળતર ચૂકવવામાં આવે.