April 1, 2026
સ્પોર્ટ્સ

બાંગ્લાદેશે IPL ટેલિકાસ્ટ પરનો બેન હટાવ્યો, ભારત સાથેની મેચોને જોતા લીધો નિર્ણય? 

02:20:00 PM
Save
Mar 28, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>બાંગ્લાદેશે IPL ટેલિકાસ્ટ પરનો બેન હટાવ્યો, </strong></span>ભારત સાથેની મેચોને જોતા લીધો નિર્ણય? </p>

બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનની સાથે જ ભારત પ્રત્યેના વલણમાં પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, જેનો સીધો ફાયદો ક્રિકેટ પ્રેમીઓને મળવા જઈ રહ્યો છે. પાછલા કેટલાક સમયથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટ સંબંધોમાં જે ખટાશ જોવા મળી રહી હતી, તેમાં હવે નરમાશ આવી છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની અગાઉની સરકારે લીધેલા કેટલાક આકરા નિર્ણયોને વર્તમાન તંત્ર હવે સુધારી રહ્યું હોય તેમ જણાય છે. આ ક્રમમાં સૌથી મોટો નિર્ણય ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પરના પ્રતિબંધને હટાવવાનો લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સ્ટાર બોલર મુસ્તાફિઝુર રહેમાનને IPLમાંથી રિલીઝ કરાયા બાદ બંને દેશોના ક્રિકેટ બોર્ડ વચ્ચે વિવાદ વકર્યો હતો, જેની અસર એટલી ગંભીર હતી કે બાંગ્લાદેશે પોતાની ટીમને ટી20 વર્લ્ડ કપ માટે ભારત મોકલવાનો પણ ઈનકાર કરી દીધો હતો, જેના કારણે આઈસીસીએ બાંગ્લાદેશના સ્થાને સ્કોટલેન્ડને તક આપી હતી.

આ વિવાદોની વચ્ચે તત્કાલીન સરકારે બદલાની ભાવનાથી બાંગ્લાદેશમાં IPLના પ્રસારણ પર સંપૂર્ણ રોક લગાવી દીધી હતી, પરંતુ હવે સ્થિતિ પલટાઈ છે. બાંગ્લાદેશના સૂચના અને પ્રસારણ મંત્રી ઝહીર ઉદ્દીન સ્વપને સ્પષ્ટ કર્યું છે કે સરકાર રમતગમત અને રાજકારણને અલગ રાખવા માંગે છે. તેમણે જણાવ્યું કે જો કોઈ ખાનગી ચેનલ કે સ્ટાર સ્પોર્ટ્સ જેવી આંતરરાષ્ટ્રીય ચેનલ આઈપીએલનું પ્રસારણ કરવા માંગતી હોય, તો સરકાર તેને વ્યાપારી દ્રષ્ટિકોણથી જોશે અને તેમાં કોઈ વહીવટી અવરોધ ઊભો કરવામાં આવશે નહીં. કેબલ ઓપરેટર્સ એસોસિએશને પણ આ વાતને પુષ્ટિ આપી છે કે હાલમાં પ્રસારણ પર કોઈ કાયદાકીય રોક નથી, જેનો અર્થ એ છે કે બાંગ્લાદેશી ચાહકો હવે ફરીથી આઈપીએલના રોમાંચનો આનંદ માણી શકશે.

નિષ્ણાતો માની રહ્યા છે કે બાંગ્લાદેશ સરકારનો આ નિર્ણય માત્ર રમતગમત પૂરતો સીમિત નથી, પરંતુ તેની પાછળ એક મજબૂત 'ડિપ્લોમેટિક સિગ્નલ' છુપાયેલો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સપ્ટેમ્બરમાં ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચોની મહત્વપૂર્ણ સિરીઝ રમાવાની છે. આ પ્રવાસ પહેલા ભારત સાથેના સંબંધોને પાટા પર લાવવા માટે IPL પરથી પ્રતિબંધ હટાવવો એ એક સકારાત્મક પગલું માનવામાં આવે છે. જો ભારત સરકાર મંજૂરી આપશે તો ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જશે. આમ, ક્રિકેટના બહાને બંને દેશો વચ્ચેના વ્યાપારી અને રાજદ્વારી સંબંધોમાં જે બરફ જામ્યો હતો, તે હવે ધીરે ધીરે ઓગળી રહ્યો હોય તેમ દેખાય છે.