વેકેશનનું લિસ્ટ તૈયાર છે? એપ્રિલ-જૂન વચ્ચે ભારતની આ 4 જગ્યાઓ જોવાનું ચૂક્યા, તો આખું વર્ષ પસ્તાશો!
આજના સમયમાં જ્યારે ગ્લોબલ ટ્રાવેલ ટ્રેન્ડ્સ બદલાઈ રહ્યા છે, ત્યારે ભારતીય પ્રવાસીઓમાં વિદેશ જવાને બદલે પોતાના જ દેશના અનોખા સાંસ્કૃતિક વારસાને માણવાનો ક્રેઝ વધ્યો છે. ટ્રાવેલ પ્લેટફોર્મના એક રિપોર્ટ અનુસાર, હાલમાં 'ફેસ્ટિવલ-બેઝ્ડ વેકેશન' એટલે કે તહેવારોને કેન્દ્રમાં રાખીને ફરવા જવાનો ટ્રેન્ડ તેજીમાં છે. જો તમે પણ આગામી ત્રણ મહિનામાં કંઈક ખાસ પ્લાન કરી રહ્યા હોવ, તો ભારતના અલગ-અલગ ખૂણે યોજાતા ચાર ભવ્ય ઉત્સવો તમારા માટે પ્રકૃતિ, સંસ્કૃતિ અને રોમાંચનું અદભૂત પેકેજ સાબિત થઈ શકે છે.
આ 4 સ્થળોએ જવાનું ભૂલતા નહિં 
આસામનો સાંસ્કૃતિક ઉત્સવ : બોહાગ બિહુ
કેરળની ભવ્યતા : ત્રિશૂર પૂરમ
ઊટીનો રંગબેરંગી ઉનાળો ઉત્સવ
લદ્દાખનો અમેઝિંગ હેમિસ ફેસ્ટિવલ
ઉનાળાની શરૂઆતની સાથે જ પ્રવાસની યાદીમાં સૌથી ઉપર આસામનું નામ હોવું જોઈએ, જ્યાં 14 થી 20 એપ્રિલ દરમિયાન 'બોહાગ બિહુ'ની ધૂમ જોવા મળે છે. આસામી નવવર્ષના આ જશ્નમાં આખું રાજ્ય લોકગીતો અને પરંપરાગત નૃત્યથી ગુંજી ઉઠે છે. પ્રવાસીઓ માટે આ સમય એટલે પણ ખાસ છે કારણ કે જૂનમાં ચોમાસું બેસે તે પહેલાંનો આ સૌથી આહલાદક સમય છે, અને વિશ્વપ્રસિદ્ધ કાઝીરંગા નેશનલ પાર્કમાં વન્યજીવન નિહાળવાની આ સુવર્ણ તક હોય છે. એપ્રિલના અંતમાં જો તમે દક્ષિણ ભારત તરફ નજર દોડાવો તો 26 એપ્રિલે કેરળમાં 'ત્રિશૂર પૂરમ'નો ભવ્ય નજારો જોવા મળશે. 'તહેવારોના તહેવાર' તરીકે ઓળખાતા આ ઉત્સવમાં સોનાના આભૂષણોથી સજ્જ હાથીઓની લાંબી કતાર અને વાજિત્રોના નાદ સાથે નીકળતી શોભાયાત્રા કોઈનું પણ મન મોહી લે તેવી હોય છે.
મે મહિનાની કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે ઊટીનો 'સમર ફેસ્ટિવલ' શ્રેષ્ઠ વિકલ્પ છે. મે મહિનાના પ્રારંભથી અંત સુધી ચાલતા આ મહોત્સવમાં બોટ રેસ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ થાય છે, પરંતુ તેનું મુખ્ય આકર્ષણ અહીંના બોટનિકલ ગાર્ડનમાં યોજાતો વિશાળ ફ્લાવર શો છે. હજારો જાતના રંગબેરંગી ફૂલોની પ્રદર્શની પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. આ પ્રવાસની પૂર્ણાહુતિ જૂન મહિનામાં લદ્દાખના સાહસિક સફર સાથે કરી શકાય છે, જ્યાં 24-25 જૂન દરમિયાન હેમિસ મઠમાં વિશ્વપ્રસિદ્ધ 'હેમિસ ફેસ્ટિવલ' ઉજવાય છે. બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા પહેરવામાં આવતા રંગબેરંગી પોશાક અને વિશિષ્ટ મુખૌટા સાથેનું પરંપરાગત 'ચામ નૃત્ય' શાંત પહાડોની વચ્ચે એક અનોખો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ પૂરો પાડે છે.