મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓ પ્રત્યેના વિવાદાસ્પદ નિવેદન સામે ભાજપનો ભરૂચમાં ભાજપના મૌન ધરણા
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતી સમુદાય વિશે કરવામાં આવેલી ટિપ્પણીથી ભરૂચ જિલ્લા ભાજપમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખડગેએ ગુજરાતીઓને ‘અભણ’ ગણાવતા તેના વિરોધમાં ભાજપ દ્વારા ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે ‘મૌન ધરણા પ્રદર્શન’ યોજવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દ્વારા ભાજપે કોંગ્રેસની માનસિકતાને ગુજરાત વિરોધી ગણાવી હતી.
પાંચબત્તી ખાતે મૌન વિરોધ અને કાળા માસ્ક
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાની હેઠળ આજે શહેરના વ્યસ્ત એવા પાંચબત્તી વિસ્તારમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો એકઠા થયા હતા. આ વિરોધ પ્રદર્શનમાં સામેલ તમામ લોકોએ મોઢે કાળા માસ્ક પહેર્યા હતા અને હાથમાં કોંગ્રેસ વિરોધી તેમજ ખડગેના નિવેદનની નિંદા કરતા સૂત્રોચ્ચાર લખેલા બેનરો રાખ્યા હતા. ભાજપે આ મૌન પ્રદર્શન દ્વારા સંદેશ આપ્યો હતો કે ગુજરાત અને ગુજરાતીઓની અસ્મિતાના અપમાનને જરા પણ સહન કરવામાં આવશે નહીં.
‘ગુજરાતીઓ અભણ અને મૂર્ખ છે’: ખડગેના નિવેદનથી વિવાદ
નોંધનીય છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ તાજેતરમાં ગુજરાતીઓ માટે ‘અભણ’ અને ‘મૂર્ખ’ જેવા અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો, જેના કારણે રાજ્યભરમાં વિવાદ સર્જાયો છે. આ ઉપરાંત તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતીઓ દેશના અન્ય ભાગોમાંથી ઉદ્યોગો બળજબરીથી ગુજરાતમાં ખેંચી લાવે છે. ભરૂચ ભાજપના નેતાઓએ આ નિવેદનને માત્ર રાજકીય નહીં પણ સામાજિક સ્તરે ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું છે.
માફી નહીં મળે ત્યાં સુધી આંદોલનની ચીમકી
જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ પ્રસંગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “જ્યાં સુધી મલ્લિકાર્જુન ખડગે ગુજરાત અને સાત કરોડ ગુજરાતીઓના અપમાન બદલ જાહેરમાં માફી નહીં માંગે ત્યાં સુધી અમારો આ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ અને આંદોલન ચાલુ રહેશે.” ભાજપના અગ્રણીઓએ વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત આજે સૌથી સુરક્ષિત અને શાંતિપ્રિય રાજ્ય હોવાથી વિશ્વભરના રોકાણકારો અહીં રોકાણ કરવા પ્રેરાય છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ પાયાવિહોણા આક્ષેપો કરીને સતત ગુજરાતની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિ
આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ શહેર અને જિલ્લા ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પાયાના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.