ચૂંટણી જંગ પૂર્વે કેસરિયો માહોલ.... ભરૂચમાં વિપક્ષી નેતાઓ ભાજપના શરણે
ભરૂચમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણશિંગા ફૂંકાય તે પહેલા જ રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ચૂંટણી નજીક આવતા જ પક્ષપલટાનો દોર શરૂ થયો છે, જેણે ભરૂચના રાજકીય સમીકરણોને સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. ખાસ કરીને વિપક્ષી છાવણીમાં આ ઘટનાથી મોટો ફફડાટ ફેલાયો છે, ભરૂચના સ્થાનિક રાજકારણમાં આજે સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અંદાજે 50 જેટલા સક્રિય કાર્યકરો અને કેટલાક સ્થાનિક નેતાઓએ એકસાથે પક્ષનો સાથ છોડી દીધો છે. આ પક્ષપલટાને કારણે કોંગ્રેસ અને 'આપ' ના સંગઠન માળખાને મોટો ફટકો પડ્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
ભાજપના ભરૂચ એકમ દ્વારા આ જોડાણને અત્યંત મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે, સ્થાનિક ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ અને મહામંત્રીની ઉપસ્થિતિમાં તમામ નવા કાર્યકરોને કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. ભાજપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ જોડાણથી પક્ષનું સંગઠન વધુ મજબૂત બનશે અને આગામી ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત થશે. એકસાથે 50 જેટલા કાર્યકરોએ પક્ષ પલટો કરતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતૃત્વમાં દોડધામ મચી ગઈ છે.
આ ઘટના બાદ અન્ય પક્ષોમાં પણ પોતાના કાર્યકરોને જાળવી રાખવા માટે મથામણ શરૂ થઈ છે. ચૂંટણી પહેલા થયેલા આ ગાબડાથી વિપક્ષની વ્યૂહરચના નબળી પડવાની શક્યતા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે મોટા પાયે થતા પક્ષપલટા માત્ર પક્ષોના સંગઠન પર જ નહીં, પરંતુ સામાન્ય મતદારોના માનસ પર પણ સીધી અસર કરે છે. કાર્યકરોનું ભાજપ તરફનું આ આકર્ષણ આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, જ્યારે વિપક્ષ માટે અસ્તિત્વ ટકાવવાનો જંગ બની રહેશે.
આ પક્ષપલટા બાદ ભરૂચના તમામ રાજકીય પક્ષો હવે પોતાની આગામી વ્યૂહરચનામાં મોટા ફેરફાર કરવા મજબૂર બન્યા છે. ભાજપ જ્યાં વધુને વધુ વિપક્ષી નેતાઓને આવકારવા તૈયાર છે, ત્યાં કોંગ્રેસ અને AAP હવે ડેમેજ કંટ્રોલ મોડમાં આવી ગયા છે.આ પક્ષપલટાની ઘટનાએ સાબિત કરી દીધું છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યંત રસપ્રદ અને કટોકટીભરી બની રહેશે. ભરૂચની જનતા હવે કોને સત્તા સોંપશે તે જોવું રસપ્રદ રહેશે, પરંતુ હાલના તબક્કે તો ભાજપનું પલ્લું વિપક્ષ કરતા ઘણું ભારે જણાઈ રહ્યું છે.