ભરૂચ: રતન તળાવમાં માછલીઓના સામૂહિક મોત, તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં આક્રોશ, કેમિકલ કે ઝેર ભેળવ્યાની આશંકા
ભરૂચ શહેરના મધ્યમાં આવેલા રતન તળાવમાં ફરી એકવાર રહસ્યમય સંજોગોમાં હજારો માછલીઓના મોત નિપજતા સ્થાનિક રહીશો અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તળાવમાં તરતી મૃત માછલીઓની દુર્ગંધને કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સેવાઈ રહી છે.
વિકાસના દાવા વચ્ચે જળચર સૃષ્ટિનું અસ્તિત્વ જોખમમાં
સરકાર દ્વારા તળાવના બ્યુટીફિકેશન અને વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે અને હાલમાં કામગીરી પ્રગતિમાં છે, સ્થાનિકોના જણાવ્યા મુજબ, માત્ર 10 મહિના પહેલા જ આવી જ રીતે માછલીઓ અને દુર્લભ કાચબાના મોત થયા હતા.
શિડ્યુલ-1 માં આવતા કાચબાઓ પર તોળાતું જોખમ
નોંધનીય છે કે, રતન તળાવમાં માત્ર માછલીઓ જ નહીં, પરંતુ 250 થી 300 વર્ષનું આયુષ્ય ધરાવતા અને વન્યજીવ સંરક્ષણ ધારાના 'શિડ્યુલ-1' માં આવતા અત્યંત દુર્લભ કાચબાઓ પણ વસવાટ કરે છે. હવે ફરી એકવાર અસંખ્ય માછલીઓના મોત થતા આ પૌરાણિક કાચબાઓના જીવ પર પણ જોખમ ઉભું થયું છે. ઘટનાની જાણ થતા જ નગરપાલિકાની ટીમ સ્થળ પર દોડી આવી હતી.
કેમિકલ કે ઝેર ભેળવ્યાની આશંકા અને તપાસની માંગ
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, તળાવમાં કોઈ અજાણ્યા તત્વો દ્વારા ઝેરી દવા અથવા કેમિકલ ભેળવવામાં આવ્યું હોઈ શકે છે, જેના કારણે જળચર પ્રાણીઓના ઓચિંતા મોત થયા છે. તેમણે વધુમાં માંગ કરી હતી કે વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસીને આ મામલે તટસ્થ ખાતાકીય તપાસ કરવામાં આવે અને આ ગુનાહિત બેદરકારી માટે જવાબદારો સામે કડક કાર્યવાહી થાય. તળાવની સપાટી પર તરતી હજારો મૃત માછલીઓ સડવા લાગતા સમગ્ર વિસ્તારમાં ભયાનક દુર્ગંધ ફેલાઈ રહી છે.