મિલકત વેરાની આવકનો નવો આંકડો : ભાવનગર મહાપાલિકાને 184.69 કરોડની કમાણી, ગત વર્ષ કરતા 15 કરોડ રૂપિયાની વધુ આવક થઈ...
ભાવનગર મહાનગરપાલિકા માટે નાણાંકીય વર્ષ 2025-26 ફળદાયી નીવડ્યું છે, જેમાં મિલકત વેરા વિભાગની સઘન કામગીરીને પરિણામે તિજોરીમાં આવકનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષના અંતિમ દિવસ સુધીમાં મહાપાલિકાને કુલ 184.69 કરોડ રૂપિયાની માતબર આવક થઈ છે, જે ગત વર્ષની 169.60 કરોડની આવકની સરખામણીએ 15 કરોડ રૂપિયાથી પણ વધુનો વધારો સૂચવે છે. આ સફળતા પાછળ મનપાના કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી આકરી રીકવરી અને જપ્તીની કાર્યવાહી મુખ્ય કારણ માનવામાં આવે છે. રજાના દિવસોમાં પણ કેશબારીઓ ખુલ્લી રાખીને વહીવટી તંત્રએ કરદાતાઓને વેરો ભરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, જેની સીધી અસર મનપાની આવક પર જોવા મળી છે.
નાણાંકીય વર્ષના છેલ્લા દિવસે એટલે કે મંગળવારે મહાપાલિકાની કચેરી ખાતે કરદાતાઓની લાંબી કતારો જોવા મળી હતી. વર્ષના અંતિમ કલાકોમાં પોતાનો વેરો ભરપાઈ કરી જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવવા માટે લોકો ઉમટી પડ્યા હતા, જેમાં માત્ર એક જ દિવસમાં 3129 કરદાતાઓએ 3.18 કરોડ રૂપિયા જેટલી રકમ જમા કરાવી હતી. નોંધનીય છે કે શહેરના અંદાજે 3.10 લાખ નોંધાયેલા કરદાતાઓમાંથી 2.06 લાખથી વધુ લોકોએ પોતાના વેરાની ચુકવણી કરી દીધી છે. જોકે, રસપ્રદ બાબત એ છે કે કરદાતાઓની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ કોઈ મોટો ફેરફાર થયો નથી, પરંતુ તંત્રની કડક અમલવારી અને જપ્તીની ઝુંબેશને કારણે જૂની બાકી રકમની વસૂલાત વધતા આવકમાં મોટો ફેરફાર નોંધાયો છે.
ઓનલાઈન પેમેન્ટની સુવિધા રાત્રિના 12 વાગ્યા સુધી ઉપલબ્ધ હોવાને કારણે અંતિમ આંકડામાં હજુ પણ થોડો વધારો થવાની સંભાવના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. જે કરદાતાઓ ચાલુ વર્ષે વેરો ભરવાનું ચૂકી ગયા છે અથવા નવા વર્ષનો વેરો વહેલી તકે ભરવા માંગે છે તેમના માટે પણ મનપાએ મહત્વની જાહેરાત કરી છે. આગામી 3 એપ્રિલથી વર્ષ 2026-27 માટેની ખાસ ‘રીબેટ યોજના’ અમલમાં આવશે, જેમાં એપ્રિલ માસ દરમિયાન વેરો ભરનારને 10 ટકા વળતર આપવામાં આવશે. જે લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા ઓનલાઈન વેરો ભરશે તેમને વધારાના 2 ટકા મળી કુલ 12 ટકા રીબેટનો લાભ મળશે. 1 અને 2 એપ્રિલના રોજ સોફ્ટવેર મેઇન્ટેનન્સની કામગીરી ચાલતી હોવાથી 3 એપ્રિલથી આ નવી યોજનાનો લાભ લઈ શકાશે.