April 7, 2026
ક્રાઈમ

સાયબર ફ્રોડના કેસમાં ગુજસીટોક હેઠળ કાર્યવાહીનો ભાવનગરનો પ્રથમ કેસ, ભાવનગરમાં આંતરરાજ્ય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ, 10 શખ્સો સામે કેસ દાખલ

05:48:00 PM
Save
Apr 7, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">સાયબર ફ્રોડના કેસમાં ગુજસીટોક હેઠળ કાર્યવાહીનો ભાવનગરનો પ્રથમ કેસ,</span> ભાવનગરમાં આંતરરાજ્ય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ, 10 શખ્સો સામે કેસ દાખલ</strong></p>

ભાવનગર પોલીસ દ્વારા આંતરરાજ્ય સાયબર ફ્રોડ કરતી એક મોટી સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સામાન્ય નાગરિકોને કમિશનની લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવી, તેમાં સાયબર ક્રાઈમના નાણાં ટ્રાન્સફર કરનારી આ ટોળકીના 10 શખ્સો વિરુદ્ધ ‘ગુજસીટોક’ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાયબર ફ્રોડના ગુનામાં ગુજસીટોક લાગુ કરવાનો ભાવનગરનો આ પ્રથમ અને સમગ્ર ગુજરાતનો બીજો કિસ્સો છે, જેનાથી સાયબર ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.

લોકોના બેંક એકાઉન્ટનો ગેરકાયદે ઉપયોગ કરવાની મોડસ ઓપરેન્ડી

આ ટોળકીની કામગીરીની પદ્ધતિ અત્યંત વ્યવસ્થિત અને સંગઠિત હતી. તેઓ નિર્દોષ અને સામાન્ય લોકોને નાણાકીય કમિશનની લાલચ આપી વિવિધ બેંકોમાં ખાતા ખોલાવતા હતા. એકવાર એકાઉન્ટ ખુલી જાય પછી તેનું સંપૂર્ણ એક્સેસ આ શખ્સો મેળવી લેતા હતા. દેશભરમાં થતા વિવિધ સાયબર ફ્રોડના નાણાં આ ‘ભાડે’ રાખેલા એકાઉન્ટ્સમાં જમા કરવામાં આવતા હતા. ત્યારબાદ એટીએમ અથવા ચેક દ્વારા તે નાણાં તુરંત ઉપાડીને સગેવગે કરી દેવામાં આવતા હતા.

134 બેંક એકાઉન્ટ્સ અને 21.37 કરોડના શંકાસ્પદ વ્યવહારો

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સિન્ડિકેટ દ્વારા કુલ 134 બેંક એકાઉન્ટ્સનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ખાતાઓમાં અત્યાર સુધીમાં અંદાજે 21.37 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું નોંધાયું છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર આ એકાઉન્ટ્સ સંદર્ભે દેશભરમાંથી કુલ 272 ફરિયાદો નોંધાયેલી છે. પ્રાથમિક વિગતો મુજબ, આ ટોળકીએ અત્યાર સુધીમાં કુલ 8,11,81,241 રૂપિયાનું મોટું ફ્રોડ આચર્યું છે.

મુખ્ય સૂત્રધાર સહિત 10 સાગરીતો વિરુદ્ધ કડક કાર્યવાહી

આ કેસમાં મુખ્ય સૂત્રધાર દશરથ રામજીભાઈ ધાંધલ્યા સહિત આર્યન ઉર્ફે લખન જોસેતા, શૈલેષ ઉર્ફે ભુરો ચૌધરી, રાહુલ ગોહેલ, શાફીન કુરેશી, માહીન કુરેશી, મીહિર સરવૈયા અને અમન ઓફથાની સામે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ભાવનગર ગ્રામ્ય એએસપી ઘનશ્યામ ગૌતમની તપાસ દરમિયાન આ સિન્ડિકેટમાં વધુ બે નામો હર્ષદસિંહ સરવૈયા અને દિપક ગોહિલના ખુલ્યા હતા. આ ટોળકી છેલ્લા ઘણા સમયથી સંગઠિત રીતે ગુનાખોરી આચરતી હોવાથી તેમની સામે ગુજસીટોકનો સકંજો કસવામાં આવ્યો છે.

ગુજસીટોકની આકરી કલમો હેઠળ તપાસ તેજ

આરોપીઓ દ્વારા આચરવામાં આવેલા નેટવર્કને ધ્યાને રાખીને તેમની સામે ગુજસીટોક-2015 ની કલમ 3(1), 3(2), 3(4) અને 3(5) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાવનગર ગ્રામ્યના એએસપી ઘનશ્યામ ગૌતમ આ સમગ્ર મામલે તપાસ ચલાવી રહ્યાં છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ આંતરરાજ્ય સિન્ડિકેટના તાર અન્ય કયા રાજ્યો સાથે જોડાયેલા છે અને આ રેકેટમાં અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ. આગામી દિવસોમાં આ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.