ભાવનગરના ઈન્ડિયા હાઉસમાં પોલીસનું મેગા ઓપરેશન, 50 કારતૂસ ઝડપાયા
ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં બનેલી ફાયરિંગની ગંભીર ઘટનાના તાર હવે સાંઢિયાવાડ સુધી પહોંચ્યા છે. આ કેસમાં સંડોવાયેલા બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ભાવનગર એસ.પી. સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલાએ સાંઢિયાવાડ સ્થિત 'ઈન્ડિયા હાઉસ'માં કલાકો સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન પોલીસને મોટી માત્રામાં શસ્ત્રો અને પ્રતિબંધિત વન્યજીવના અવશેષો મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે.
નવાપરા ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ તૌફિક અને વલી હાલારીને પકડવા માટે પોલીસ સતત કાર્યરત છે. બાતમીના આધારે આજે સાંજના સમયે એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લો સ્ક્વોડ સહિતના મસમોટા પોલીસ કાફલાએ સાંઢિયાવાડ વિસ્તારમાં આવેલા 'ઈન્ડિયા હાઉસ'ને ઘેરી લીધું હતું. એસ.પી.ની સીધી દેખરેખ હેઠળ ચાલેલા આ ઓપરેશનમાં ઘરના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી. 50 નંગ જીવતા કારતૂસ, 6 નંગ તીક્ષ્ણ છરીઓ, 4 નંગ કાળિયારના શિંગડા અને 1 જીવંત પોકેટ મંકી જપ્ત કરવામાં આવ્યા છે.
પ્રતિબંધિત વન્યજીવના અવશેષો અને પ્રાણી મળી આવતા પોલીસે તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ તપાસ શરૂ કરી હતી. સીટી ડીવાયએસપી આર.આર. સિંઘાલના જણાવ્યા મુજબ, આ મામલે ઉબેદ શેખ અને તેના ભાઈની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ગંગાજળિયા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ અને દારૂબંધીના કાયદા હેઠળ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ, કાળિયારના શિંગડા અને પોકેટ મંકી રાખવા બદલ વનવિભાગ દ્વારા અલગથી કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાવનગર પોલીસના આ મસમોટા ઓપરેશનથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સમગ્ર શહેરમાં આ કામગીરી ચર્ચાનો વિષય બની છે.