ભાવનગરના રાજકારણમાં ગરમાવો : કોંગ્રેસમાં જોડાયાના માત્ર ગણતરીના કલાકોમાં જ પૂર્વ મહિલા કોર્પોરેટરની ભાજપમાં ‘ઘરવાપસી’, કોંગ્રેસની ખુશી માત્ર થોડો સમય ટકી...
ભાવનગરના રાજકારણમાં આજે એક એવો અભૂતપૂર્વ અને નાટ્યાત્મક વળાંક જોવા મળ્યો જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. સામાન્ય રીતે પક્ષપલટાની મોસમમાં નેતાઓ મહિનાઓ કે વર્ષો પછી પક્ષ બદલતા હોય છે, પરંતુ ભાવનગરમાં તો લોકશાહીના ઈતિહાસનો સૌથી ઝડપી પક્ષપલટો નોંધાયો હોય તેવો ઘાટ સર્જાયો છે. ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર સેજલબેન ગોહેલે આજે સવારે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો, પરંતુ ગણતરીના કલાકોમાં જ તેમનું હૃદયપરિવર્તન થયું અને તેઓ ફરીથી કેસરીયો ધારણ કરી ભાજપમાં પરત ફર્યા છે. આ ‘ઝડપી ઘરવાપસી’એ સમગ્ર રાજ્યના રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જગાવી છે અને સોશિયલ મીડિયા પર પણ આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.
ઘટનાની વિગતો
આ સમગ્ર હાઈવોલ્ટેજ ડ્રામાની વિગતો મુજબ, આજ સવારથી જ ભાવનગર ભાજપમાં મોટું ગાબડું પડ્યું હોવાના સમાચાર વહેતા થયા હતા. પૂર્વ કોર્પોરેટર સેજલબેન ગોહેલ વિધિવત રીતે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ દ્વારા તેમનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સેજલબેને કોંગ્રેસનો ખેસ ધારણ કરતા એવું લાગતું હતું કે ભાવનગર મહાનગરપાલિકાના રાજકારણમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ છાવણીમાં આ જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો હતો અને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યાનો આનંદ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. જોકે, આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં, કારણ કે હજુ તો સેજલબેનના કોંગ્રેસ પ્રવેશના સમાચારની શાહી સુકાઈ નહોતી ત્યાં જ સમાચાર આવ્યા કે તેઓ ફરી ભાજપ કાર્યાલય પહોંચી ગયા છે.
માત્ર ગણતરીના કલાકોમાં જ પૂર્વ મહિલા કોર્પોરેટરની ભાજપમાં ‘ઘરવાપસી
માત્ર ગણતરીના કલાકમાં આ ઘટનાક્રમ બાદ ભાજપમાં પુનઃ પ્રવેશ કરીને સેજલબેને મીડિયા સમક્ષ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. મળતી માહિતી મુજબ, તેમણે જણાવ્યું હતું કે તેમને કોંગ્રેસના આગેવાનો દ્વારા વિવિધ પ્રકારની લાલચો આપીને ભોળવવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, "મને ક્ષણિક આવેશમાં અથવા લાલચમાં આવીને જે નિર્ણય લીધો હતો, તેનો મને ગણતરીની મિનિટોમાં જ પસ્તાવો થવા લાગ્યો હતો. મને તરત જ મારી ભૂલ સમજાઈ ગઈ હતી કે ભાજપ એ માત્ર પક્ષ નથી પણ મારો પરિવાર છે." તેમણે વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસમાં ગયા બાદ તેમને અજંપો અનુભવાતો હતો અને પક્ષની વિચારધારા સાથે તેઓ સુમેળ સાધી શક્યા નહોતા, જેના કારણે તેમણે તુરંત જ ઘરવાપસી કરવાનો મક્કમ નિર્ણય લીધો હતો.
આ આશ્ચર્યજનક ઘટનાને પગલે ભાવનગર કોંગ્રેસમાં જાણે સોપો પડી ગયો છે. જે નેતાઓ થોડી વાર પહેલા સેજલબેન સાથે ફોટા પડાવી રહ્યા હતા, તેઓ આ અચાનક થયેલા પલટાથી સ્તબ્ધ થઈ ગયા છે. બીજી તરફ, ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદની લહેર જોવા મળી રહી છે. રાજકીય વિશ્લેષકો આ ઘટનાને આવનારી ચૂંટણીઓ પહેલાની લડાઈ તરીકે જોઈ રહ્યા છે. હાલમાં તો ભાવનગરનો આ ગણતરીના કલાકનો ‘કોંગ્રેસ પ્રવાસ’ અને ત્યારબાદની ‘ઘરવાપસી’ આખા ગુજરાતમાં કુતૂહલનો વિષય બની છે અને લોકો આ ઘટનાને 'ફાસ્ટ ફોરવર્ડ' રાજકારણ તરીકે ઓળખાવી રહ્યા છે.