મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના આંગણે પદવીદાનનો મહોત્સવ : 12,704 સ્નાતકોને પદવી અને 86 તેજસ્વીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયાં...
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના 10મા વાર્ષિક પદવીદાન સમારોહમાં ગતરોજ જ્ઞાન અને ગરિમાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અટલ ઓડિટોરિયમ ખાતે આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યપાલ અને કુલાધીપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને હજારો વિદ્યાર્થીઓએ પોતાની શૈક્ષણિક સફળતાનું પ્રમાણપત્ર મેળવી જીવનના નવા સોપાનમાં ડગ માંડ્યા હતા. આ પ્રસંગે કુલ 86 ગોલ્ડ મેડલ અને 42 સ્પેશિયલ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા હતા, જે તેજસ્વી વિદ્યાર્થીઓના વર્ષોના તપ અને પુરુષાર્થનું પ્રતીક બની રહ્યા હતા. કુલ 12,704 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓમાં પદવી અર્પણ કરવામાં આવી હતી, જેમાં 22 સંશોધકોને તેમની વિશિષ્ટ સંશોધન બદલ પીએચ.ડી.ની પદવીથી સન્માનિત કરાયા હતા. આજના આધુનિક યુગને અનુરૂપ રાજ્યપાલએ ડીજી લોકર એપના માધ્યમથી ડિજિટલ સ્વરૂપે પદવીઓ પ્રદાન કરીને ટેકનોલોજી અને શિક્ષણના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સમારોહને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અત્યંત ભાવુક અને પ્રેરક શૈલીમાં જણાવ્યું હતું કે પદવી પ્રાપ્ત કરવાનો આ અવસર માત્ર કાગળનો ટુકડો મેળવવાની પ્રક્રિયા નથી, પરંતુ દરેક વિદ્યાર્થી માટે એક ભાવપૂર્ણ સંભારણું છે. તેમણે તૈતરીય ઉપનિષદના આધ્યાત્મિક જ્ઞાન અને ગુરુના આશીર્વચનોની મહત્તા સમજાવતા ઉમેર્યું હતું કે પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ શ્રેય અને પ્રેય માર્ગનું શિક્ષણ આપતા હતા, જે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. વિદ્યાર્થીઓને શિખામણ આપતા તેમણે કહ્યું કે યુનિવર્સિટીમાંથી મેળવેલું જ્ઞાન ત્યારે જ સાર્થક ગણાય જ્યારે તેનો ઉપયોગ સમાજને વધુ સુખમય અને સરળ બનાવવા માટે કરવામાં આવે. વિશ્વવિદ્યાલયની આ દીક્ષા વિદ્યાર્થીઓના સમગ્ર જીવનને પ્રકાશિત કરતી મશાલ સમાન છે તેવી આશા વ્યક્ત કરી તેમણે પદવીધારકોને મંગલમય ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.
બીજી તરફ, કુલપતિ ડૉ. ભરત રામાનુજે પણ વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરતા સૂચક શબ્દોમાં જણાવ્યું હતું કે આ સમારોહ કોઈ ઔપચારિક વિધિ માત્ર નથી, પરંતુ તે માતા-પિતાની આશા અને સમાજની અપેક્ષાઓ પૂર્ણ કરવાની જવાબદારીનો પ્રારંભ છે. તેમણે 'કેમ્પ ટૂ કોમ્યુનિટી' અને 'લર્નિંગ ટૂ લીડરશીપ' જેવા પાયાના મૂલ્યો પર ભાર મૂકીને વિદ્યાર્થીઓને સમાજ ઘડતરમાં સક્રિય ફાળો આપવા આહવાન કર્યું હતું. આ સમારોહમાં વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો, જેમાં આર્ટસમાં 4,638, કોમર્સમાં 2,777, સાયન્સમાં 2,149 અને રૂરલ સ્ટડીઝમાં 1434 વિદ્યાર્થીઓનો દબદબો રહ્યો હતો. આ ઉપરાંત મેનેજમેન્ટ, એજ્યુકેશન, લો તેમજ મેડિકલ અને નર્સિંગ જેવા આરોગ્ય ક્ષેત્રના સ્નાતકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આમ, ભાવનગર યુનિવર્સિટીનો આ દસમો દીક્ષાંત સમારોહ શિક્ષણ, સંસ્કાર અને સેવાની ભાવના સાથે સંપન્ન થયો હતો.