કરોડોને હસાવતી તારક મહેતા ફેમ 'દયા' આજે રડી પડી : પિતાના અંતિમ દર્શન કરતા મયુર અને દિશા વાકાણી ભાંગી પડ્યા, થલતેજ સ્મશાનગૃહમાં ભીમ વાકાણીના અંતિમ સંસ્કાર સંપન્ન
દયાબેન અને સુંદરના પિતા ભીમ વાકાણીનું નિધન 
મનોરંજન જગત અને ગુજરાતી નાટ્યક્ષેત્ર માટે એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતા બનેલા દિશા વાકાણી અને સુંદરલાલનું પાત્ર ભજવતા મયુર વાકાણીના પિતા તથા ગુજરાતના જાણીતા નાટ્યકાર ભીમ વાકાણીનું 84 વર્ષની વયે અમદાવાદ ખાતે નિધન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ ટીવી ઇન્ડસ્ટ્રી અને રંગભૂમિના કલાકારોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ભીમ વાકાણી છેલ્લા લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા, પરંતુ આખરે તેમણે અંતિમ શ્વાસ લેતા વાકાણી પરિવારમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે.
લાંબી માંદગી બાદ અમદાવાદની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
તેમના નિધન અંગેની વિગતો આપતા મયુર વાકાણીએ અત્યંત ગમગીન હૈયે જણાવ્યું હતું કે, તેમના પિતા છેલ્લા દોઢ વર્ષથી પેરાલિસિસ (લકવા)ની બીમારીથી પીડાતા હતા. આ દરમિયાન તેમની યોગ્ય સારવાર ચાલી રહી હતી, પરંતુ થોડા સમય પહેલા તેમને ન્યૂમોનિયા થઈ જવાથી તબિયત વધુ લથડી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ હતા. જોકે, આજે વહેલી સવારે 8:30 વાગ્યે તેમણે હોસ્પિટલના બિછાને જ અંતિમ શ્વાસ લીધા હતા. પિતાના અવસાનથી દિશા અને મયુર બંને ભાંગી પડ્યા છે અને પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
થલતેજ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર
અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાને જ્યારે ભીમ વાકાણીનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો ત્યારે માહોલ અત્યંત કારુણિક બની ગયો હતો. વર્ષો સુધી જેમના અવાજ અને અભિનયથી સ્ટેજ ગુંજતું હતું, તે કલાકારને અંતિમ વિદાય આપવા માટે અનેક લોકો ઉમટી પડ્યા હતા. દિશા વાકાણી પિતાના દેહને જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી, જ્યારે મયુર વાકાણી પણ પિતાની છત્રછાયા ગુમાવવાના દુખમાં ગમગીન દેખાતા હતા. દિશાએ પોતાનું મોઢું દુપટ્ટાથી ઢાંકી રાખ્યું હતું અને સ્વજનો તેમને સાંત્વના આપી રહ્યા હતા. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે થલતેજ સ્મશાનગૃહ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પરિવારની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર પૂર્ણ કરવામાં આવ્યા હતા. ગુજરાતી નાટ્યકલામાં ભીમ વાકાણીનું યોગદાન હંમેશા યાદ રહેશે.