અક્ષય કુમારની મોટી વાતો છતાં 'ભૂત બંગલા'ની રિલીઝમાં વિલંબ: ફિલ્મ પાછળ ઠેલાતા ચાહકો નિરાશ
બોલિવૂડના ખિલાડી અક્ષય કુમાર અને દિગ્દર્શક પ્રિયદર્શનની મોસ્ટ અવેટેડ હૉરર-કોમેડી ફિલ્મ 'ભૂત બંગલા' ની રિલીઝ ડેટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અગાઉ મોટી મોટી વાતો કરનાર અક્ષય કુમાર અને તેની ટીમે હવે 'ધુરંધર ૨' ની અભૂતપૂર્વ સફળતાને જોતા પીછેહઠ કરી છે. જે ફિલ્મ 10મી એપ્રિલે આવવાની હતી, તે હવે એક સપ્તાહ મોડી એટલે કે 17મી એપ્રિલે રિલીઝ થવાની પ્રબળ શક્યતા છે. થોડા સમય પહેલા અક્ષય કુમારે આત્મવિશ્વાસ સાથે ડિંગ હાંકી હતી કે 'ધુરંધર 2' ગમે તેટલી મોટી ફિલ્મ હોય, તેનાથી 'ભૂત બંગલા' ને કોઈ જ ફરક પડવાનો નથી.
જોકે, બોક્સ ઓફિસ પર 'ધુરંધર ૨' નો ક્રેઝ અને કમાણીની રફ્તાર જોતા અક્ષયના આ દાવાઓ પોકળ સાબિત થયા છે. મેકર્સને હવે એવો ડર સતાવી રહ્યો છે કે જો અત્યારે ફિલ્મ રિલીઝ થશે તો 'ધુરંધર ૨' ના તોફાનમાં 'ભૂત બંગલા' ધોવાઈ જશે. 'ભૂત બંગલા' ની ટીમને અહેસાસ થયો છે કે 'ધુરંધર ૨' નો જાદુ પ્રેક્ષકો પર હજુ લાંબો સમય ચાલશે. ફિલ્મમાં સારું પોટેન્શિયલ હોવા છતાં, નાહકનો ક્લેશ કરીને બિઝનેસને નુકસાન પહોંચાડવાનો કોઈ અર્થ નથી.
આથી, સેફ ગેમ રમતા મેકર્સે રિલીઝને પાછી ઠેલવાનો નિર્ણય લીધો છે જેથી ફિલ્મને સોલો વિન્ડો મળી શકે. નોંધનીય છે કે આ ફિલ્મ દ્વારા અક્ષય કુમાર અને જાણીતા દિગ્દર્શક પ્રિયદર્શન વર્ષો પછી ફરી એકસાથે કામ કરી રહ્યા છે. ફિલ્મમાં અક્ષયની સાથે વામિકા ગબ્બી મુખ્ય હિરોઈન તરીકે જોવા મળશે. ફેન્સ આ જોડીના કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવે તેમણે વધુ એક સપ્તાહ સુધી રાહ જોવી પડશે.