April 1, 2026
ગુજરાત

ભુજને ટ્રાફિકની જાળમાંથી મળશે મુક્તિ : 21 કિમી લાંબા બાયપાસ રોડ માટે જમીન સંપાદનની પ્રક્રિયા તેજ... 

10:05:00 AM
Save
Mar 30, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ભુજને ટ્રાફિકની જાળમાંથી મળશે મુક્તિ : </strong></span>21 કિમી લાંબા બાયપાસ રોડ માટે જમીન સંપાદનની પ્રક્રિયા તેજ... </p>

કચ્છનું મુખ્ય મથક ભુજ છેલ્લા ઘણા સમયથી વધતા જતા વાહનોના ભાર અને સાંકડા રસ્તાઓને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ખાસ કરીને ભારે માલવાહક વાહનોના શહેરમાં પ્રવેશને કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને વહીવટી તંત્રને પણ વારંવાર જાહેરનામા બહાર પાડીને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા મથામણ કરવી પડે છે. વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ જ્યારે શહેરનું નવનિર્માણ થયું, ત્યારે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખી બાયપાસનું આયોજન કરવામાં ન આવતા આજે આ સ્થિતિ સર્જાઈ છે. જોકે, હવે મોડા-મોડા પણ માર્ગ અને મકાન વિભાગ જાગૃત થયું છે અને ભુજ સિટી બાયપાસના નિર્માણ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરી હાથ ધરવા માટે સરકારે સત્તાવાર રીતે ટેન્ડર બહાર પાડી દીધું છે, જે અંતર્ગત નિષ્ણાત કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે.

આ સૂચિત બાયપાસ પ્રોજેક્ટ અંદાજે 21 કિલોમીટર લાંબો હશે, જે ભુજના વિકાસમાં એક નવો અધ્યાય જોડશે. આ માર્ગ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા ભુજોડીથી શરૂ થઈને માધાપર, ભુજ શહેરની બહારની સીમ, સુખપર અને મિર્ઝાપર જેવા વિસ્તારોમાંથી પસાર થશે. સૌથી મોટી વિશેષતા એ છે કે આ બાયપાસ ભુજ-નખત્રાણા, ભુજ-માંડવી, ભુજ-મુંદ્રા અને ભુજ-ભચાઉ જેવા ચારેય મહત્વના સ્ટેટ હાઈવેને એકબીજા સાથે સાંકળશે, જેનાથી લાંબા અંતરના વાહનોને શહેરમાં પ્રવેશવાની જરૂર જ નહીં રહે. સરકાર દ્વારા આ જમીન સંપાદન અને કન્સલ્ટન્સીની પ્રક્રિયા માટે 114.64 લાખ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને આગામી 10 મહિનામાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

હાલના તબક્કે આ કામગીરી સીધી રોડ બનાવવાની નથી, પરંતુ રસ્તા માટે જરૂરી એવી અંદાજે 45 હેક્ટર જમીનને કાયદાકીય ગૂંચવણો વગર સંપાદિત કરવાની છે. જે એજન્સીની પસંદગી કરવામાં આવશે, તેણે જમીનનો ઝીણવટભર્યો સર્વે કરી ડિજિટલ કેડસ્ટ્રલ મેપિંગ તૈયાર કરવાનું રહેશે. આ ઉપરાંત, જમીન સંપાદનને કારણે પ્રભાવિત થતા ખેડૂતો અને જમીન માલિકો સાથે પરામર્શ કરી, સોશિયલ ઈમ્પેક્ટ એસેસમેન્ટ એટલે કે સામાજિક અસરોનો અભ્યાસ પણ કરવાનો રહેશે. કન્સલ્ટન્ટની મુખ્ય જવાબદારી એ રહેશે કે તેઓ જમીન સંપાદન કાયદા મુજબ તમામ સરકારી નોટિફિકેશન બહાર પડાવે અને મહેસૂલી પ્રક્રિયા પૂર્ણ કરી માર્ગ અને મકાન વિભાગને કોઈ પણ વિવાદ વગરની 'ક્લિયર' જમીન સુપ્રત કરે. આ પ્રક્રિયા પૂર્ણ થતા જ ભૌતિક રીતે રોડ નિર્માણનું કાર્ય શરૂ થશે, જે ભવિષ્યમાં ભુજવાસીઓને ટ્રાફિકની કાયમી ગૂંચવણમાંથી આઝાદી અપાવશે.