April 9, 2026
ગુજરાત

ભુજમાં માનવસેવા કાજે જીવન સમર્પિત કરનાર વૃદ્ધની હત્યા: બાકી નાણાંના વિવાદમાં વેપારીએ દસ્તાના ઘા ઝીંકી પતાવી દીધા

06:25:00 PM
Save
Apr 9, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ભુજમાં માનવસેવા કાજે જીવન સમર્પિત કરનાર વૃદ્ધની હત્યા: </span>બાકી નાણાંના વિવાદમાં વેપારીએ દસ્તાના ઘા ઝીંકી પતાવી દીધા</strong></p>

કચ્છના મુખ્ય મથક ભુજમાં ગરીબોની સેવા કરતા એક 71 વર્ષીય વૃદ્ધની નિર્મમ હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જૈન ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે રાહત દરે રાશન કીટ પહોંચાડવાનું પૂણ્યશાળી કાર્ય કરનાર રશ્મિકુમાર શાહની તેમના જ નિવાસસ્થાને નાણાકીય વિવાદમાં હત્યા કરવામાં આવી હતી. આ મામલે ચોંકાવનારી વિગત એ છે કે, હત્યા આચર્યાના ગણતરીના કલાકોમાં જ આરોપી કિરાણા વેપારી પોતે જ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો અને ગુનાની કબૂલાત કરી હતી.

પૈસાની ઉઘરાણી બાબતે થયેલી બોલાચાલી હત્યામાં પરિણમી

પ્રાપ્ત વિગતો અનુસાર, ભુજના વાણિયાવાડ વિસ્તારમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા રશ્મિકુમાર કનકલાલ શાહ લાંબા સમયથી સમાજસેવા સાથે જોડાયેલા હતા. ગત રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે તેમના ઘરે નિલેશ હસમુખલાલ શાહ નામનો કિરાણા વેપારી ઉઘરાણી માટે પહોંચ્યો હતો. મૃતક જે સંસ્થામાં સેવા આપતા હતા, તે સંસ્થા માટે રાશનની ખરીદી નિલેશની દુકાનેથી કરવામાં આવતી હતી. બાકી નીકળતા નાણાં મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાટમાં આવી નિલેશે પહેલા મેટલની બોટલ માથામાં મારી હતી અને ત્યારબાદ ઘરમાં પડેલા દસ્તા વડે વારંવાર હુમલો કરી વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા હતા.

હત્યા બાદ આરોપી પોતે જ પોલીસ સ્ટેશન પહોંચ્યો

આ ભયાનક હત્યાકાંડ આચર્યા બાદ આરોપી નિલેશ શાહ ત્યાંથી નાસી છૂટ્યો હતો. જોકે, બનાવના લગભગ 4 કલાક બાદ મધરાત્રે તે પોતે જ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આરોપીએ પોલીસ સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસ તંત્ર પણ સ્તબ્ધ થઈ ગયું હતું. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ત્યારે બેડરૂમમાં રશ્મિકુમારનો લોહીલુહાણ મૃતદેહ જમીન પર પડેલો જોવા મળ્યો હતો અને આખું ઘર વિખેરાયેલી હાલતમાં હતું.

પુરાવા નષ્ટ કરવાના હેતુથી CCTV નું DVR ગાયબ કર્યું

પોલીસ તપાસમાં એક મહત્વની કડી સામે આવી છે કે મૃતકના ઘરમાં સુરક્ષા માટે લગાવાયેલા CCTV કેમેરાનું DVR ગાયબ છે. પોલીસને દ્રઢ શંકા છે કે આરોપીએ પોતાની કરતૂત છુપાવવા અને પુરાવા નષ્ટ કરવા માટે DVR અને પોતાનો મોબાઈલ ફેંકી દીધો છે. પ્રાથમિક તપાસમાં આ વસ્તુઓ હમીરસર તળાવ વિસ્તારમાં ફેંકી હોવાની શક્યતાને પગલે પોલીસે સર્ચ ઓપરેશન તેજ કર્યું છે. DVR મળ્યા બાદ ઘટનાના સમયે થયેલી વાતચીત અને હુમલાની તીવ્રતા વિશે વધુ તથ્યો બહાર આવશે.

શહેરમાં ઘેરા પ્રત્યાઘાત અને આગળની કાર્યવાહી

પોતાનું સમગ્ર જીવન માનવસેવામાં હોમી દેનાર સેવાભાવી વૃદ્ધની આવી રીતે હત્યા થતા ભુજવાસીઓમાં ભારે રોષ અને દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસે આરોપી નિલેશ શાહ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને પોલીસે એફ.એસ.એલની મદદથી વધુ પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાએ શાંત ગણાતા ભુજ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સામાજિક સુરક્ષા અંગે ચિંતા જન્માવી છે.