CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાઇ બેઠક : રાજ્યમાં ખાતર, પેટ્રોલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ...
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાતર સહિતની આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાની વર્તમાન સ્થિતિ તેમજ તેની વિતરણ વ્યવસ્થાની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી સહિત વરિષ્ઠ સચિવઓ અને વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રાજ્યના નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટેની વ્યૂહરચના પર વિગતવાર ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.
રાજ્યમાં હાલની પરિસ્થિતિનો તાગ મેળવતા મુખ્યમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે સમગ્ર ગુજરાતમાં ઈંધણ અને ખેતી માટે જરૂરી ખાતર જેવી પાયાની જરૂરિયાતોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠા શૃંખલા સુચારૂ રીતે કાર્યરત છે. મુખ્યમંત્રીએ તમામ વિભાગોને તાકીદ કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયની માંગ મુજબ તમામ સરકારી તંત્રએ વધુ સતર્ક રહીને પરસ્પર સંકલન અને 'ટીમ વર્ક'ની ભાવના સાથે કાર્યરત રહેવું પડશે. સામાન્ય જનતાને જીવનજરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન નડે અને બજારમાં વસ્તુઓનો સપ્લાય સરળતાથી ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવું એ સરકારની પ્રાથમિકતા છે.
ખાસ કરીને ઘરવપરાશના રાંધણ ગેસ માટે પીએનજી (PNG) કનેક્શનના વ્યાપ પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે કેન્દ્ર સરકાર દ્વારા પીએનજી કનેક્શનને અગ્રતા આપવા અંગે જે માર્ગદર્શિકાઓ આપવામાં આવી છે, તેનો રાજ્યમાં ઝડપથી અમલ થવો જોઈએ. નવા પીએનજી કનેક્શન માટેની અરજીઓનો તાત્કાલિક ધોરણે નિકાલ કરી લોકોને કનેક્શન ફાળવવામાં આવે તે જરૂરી છે, જેથી ગેસ સિલિન્ડર પરની નિર્ભરતા ઘટે અને નાગરિકોને પાઈપલાઈન દ્વારા સીધો અને સુરક્ષિત ગેસ પુરવઠો મળી રહે. આ બેઠક દ્વારા રાજ્ય સરકારે પ્રજાને ખાતરી આપી છે કે કોઈપણ આવશ્યક ચીજવસ્તુની અછત સર્જાવા દેવામાં આવશે નહીં અને વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.