રાજકોટનાં આંગણે CM : અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં ભૂપેન્દ્ર પટેલ...
રાજકોટ આજે વિકાસના રંગે રંગાયું છે, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો દ્વારા શહેરને અબજો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ ધરી છે. આજે શનિવારે બપોરે મુખ્યમંત્રીનું રાજકોટમાં આગમન થતા જ વાતાવરણમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌપ્રથમ તેઓ અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં આનંદનગર હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ દ્વારા તેમનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. વર્ષો જૂના આવાસના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવતા હર્ષિત થયેલા સ્થાનિકોએ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી, જે કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ લોકો સાથે સીધો સંવાદ સાધી તેમના ઉત્સાહમાં સહભાગી થયા હતા.
ત્યારબાદ બપોરે 3 કલાકે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રી રાજકોટ મહાનગરપાલિકાના કુલ ₹207.31 કરોડના પાંચ પ્રકલ્પોનું લોકાર્પણ અને ₹543.89 કરોડના ખર્ચે સાકાર થનારા 40 જેટલા વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત ડિજિટલ માધ્યમથી કરશે. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા EWS-II પ્રકારના 1,010 આવાસોનું લોકાર્પણ છે, જેના કારણે આજે એક હજારથી વધુ મધ્યમવર્ગીય પરિવારોના 'ઘરના ઘર'નું સપનું સાકાર થશે. 
મુખ્યમંત્રીના આ વ્યસ્ત પ્રવાસના આગામી ચરણમાં તેઓ મેઘાણી રંગભવન ખાતે વયોશ્રી યોજના અંતર્ગત વડીલોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ કરીને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. દિવસના અંતે તેઓ લેઉવા પટેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત લેઉવા પટેલ બોર્ડિંગના નવનિર્મિત અત્યાધુનિક ભવનનું લોકાર્પણ અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરશે. આમ, શનિવારનો આ દિવસ રાજકોટ માટે માત્ર સરકારી કાર્યક્રમોનો જ નહીં, પરંતુ શિક્ષણ, આવાસ અને માળખાગત સુવિધાઓના સમન્વય સાથેના સાચા અર્થમાં વિકાસ ઉત્સવ બની રહ્યો છે.