શહેર આખાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય, પણ ખાડિયાને અમે પાકિસ્તાન થવા નહિઁ દઈએ, અમદાવાદના ખાડિયામાં ભાજપના નેતા ભૂષણ ભટ્ટે કરી ગર્જના...…
અમદાવાદ મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નિવેદનબાજી તેજ બની રહી છે. ખાસ કરીને શહેરના ઐતિહાસિક ખાડિયા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ભાજપના નેતા ભૂષણ ભટ્ટે કરેલા નિવેદને રાજકીય આલમમાં ગરમાવો લાવી દીધો છે.
ચૂંટણી સમયે શરૂ થતા 'ઇલેક્શન ટુરિઝમ' અને ખાડિયાની અખંડિતતાને તોડવાના પ્રયાસો સામે આપણે એકજૂથ થવું પડશે। વર્ષોથી ભાજપનો ગઢ ગણાતા ખાડિયામાં આ વખતે વિરોધ પક્ષો દ્વારા જે રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેને ભૂષણ ભટ્ટે 'ઇલેક્શન ટુરિઝમ' સાથે સરખાવ્યું હતું. તેમણે કાર્યકરોને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કેટલાક તત્વો ખાડિયાની અખંડિતતાને તોડવા અને અહીંના ભાઈચારામાં ખલેલ પહોંચાડવા મથામણ કરી રહ્યા છે, પરંતુ ભાજપના કાર્યકરો અને જનતા એકજૂથ થઈને આવા તમામ મનસુબાઓને નિષ્ફળ બનાવશે.
ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાન મુદ્દાની એન્ટ્રી
ભૂષણ ભટ્ટે પોતાના પ્રવચનમાં વર્ષ 1972થી લઈને અત્યાર સુધીના ખાડિયાના ચૂંટણી ઇતિહાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે ખાડિયા હંમેશા રાષ્ટ્રવાદી વિચારધારાનું કેન્દ્ર રહ્યું છે. આગામી 2026ની ચૂંટણીને એક ધર્મયુદ્ધ ગણાવતા તેમણે હુંકાર કર્યો હતો કે, "શહેર આખાની નજર ભલે ખાડિયા પર હોય, પણ અમે ખાડિયાને કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન થવા દઈશું નહીં." આ નિવેદન દ્વારા તેમણે આડકતરી રીતે વિરોધ પક્ષો પર નિશાન સાધ્યું હતું અને મતદારોને ચેતવણી આપી હતી કે લોભામણા ચહેરાઓ લઈને આવતા લોકોથી સાવધ રહેવાની જરૂર છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ખાડિયાની જનતા 'ભારત માતા કી જય'ના નાદ સાથે અખંડ ખાડિયાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કટિબદ્ધ છે.
શહેરમાં ભાજપના ચાર ઉમેદવારોને વિજયી બનાવવાનું આહ્વાન
કાર્યક્રમના અંતે તેમણે આગામી 26 તારીખે યોજાનારા મતદાન માટે કાર્યકરોમાં નવો જોશ ભર્યો હતો. ભટ્ટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ખાડિયાની જનતા ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોને ભવ્ય બહુમતીથી વિજયી બનાવશે. તેમણે ઉમેર્યું હતું કે સામેવાળી ટીમે ક્યારેય વિચાર્યું પણ ન હોય તેવા મતોની સરસાઈથી ભાજપની જીત થશે અને વિરોધીઓને હારનો સ્વાદ ચાખવો પડશે. આ બેઠક દરમિયાન ભાજપના પાયાના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર વાતાવરણ જય ઘોષથી ગાજી ઉઠ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે આ 'પાકિસ્તાન' મુદ્દાની એન્ટ્રી બાદ વિપક્ષો આનો વળતો જવાબ કઈ રીતે આપે છે અને મતદારોના મન પર તેની શું અસર પડે છે.