ડાંગમાં કોંગ્રેસને મોટો ફટકો: કાલીબેલ ગામ 'કોંગ્રેસમુક્ત', 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાનો દોર તેજ બન્યો છે. ખાસ કરીને આદિવાસી પટ્ટામાં કોંગ્રેસના વર્ષો જૂના સાથીઓ અને પાયાના કાર્યકરો પક્ષ છોડી રહ્યા છે, જે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. ડાંગ જેવા વિસ્તારમાં એક આખું ગામ કોંગ્રેસમુક્ત બનવું એ સંગઠન સ્તરે પડેલા મોટા ગાબડાની પ્રતીતિ કરાવે છે.
કાલીબેલ અને ટેકપડામાં કેસરિયો માહોલ
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. અહીંના કાલીબેલ ગામના સરપંચ સુભાષભાઈએ પોતાની સમગ્ર ટીમ સાથે કોંગ્રેસનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીનું દામન થામ્યું છે. માત્ર કાલીબેલ જ નહીં, પરંતુ પડોશી ટેકપડા ગામના કાર્યકરોએ પણ વિકાસની રાજનીતિમાં વિશ્વાસ મૂકી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ પરિવર્તનને કારણે વઘઈ તાલુકામાં કોંગ્રેસનું માળખું નબળું પડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રાજકીય દિગ્ગજોની હાજરીમાં વિધિવત પ્રવેશ
આ કાર્યક્રમમાં ડાંગ ભાજપના પ્રભારી રાજેશ દેસાઈ અને સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે કોંગ્રેસના પૂર્વ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. સરપંચ સુભાષભાઈએ જણાવ્યું હતું કે સરકારની જનકલ્યાણકારી યોજનાઓથી પ્રભાવિત થઈને તેઓ આ નિર્ણય લઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના મજબૂત ગણાતા કાર્યકરોનો આ રીતે પક્ષત્યાગ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો છે.