બંગાળ ચૂંટણી પૂર્વે મોટો ઉલટફેર: ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ભાજપમાં સામેલ, મમતા બેનર્જીને મોટો ઝટકો
પશ્ચિમ બંગાળની રાજનીતિ હંમેશા ઉત્તેજના અને રણનીતિક દાવપેચથી ભરેલી હોય છે. 2026 ની વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ રાજ્યમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. બંગાળની ચૂંટણી માત્ર વિકાસના મુદ્દાઓ પર જ નહીં, પરંતુ પ્રભાવશાળી ચહેરાઓ અને સાંસ્કૃતિક જોડાણ પર પણ લડાય છે.
દિલ્હી ખાતે લિએન્ડર પેસે ધારણ કર્યો કેસરીયો ખેસ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Election-2026) પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટો આંચકો લાગ્યો છે. વિશ્વ વિખ્યાત પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ અને સુકાંત મજૂમદારની ઉપસ્થિતિમાં તેમણે પક્ષનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું.
ભાજપમાં જોડાયા બાદ લિએન્ડર પેસની પ્રતિક્રિયા
ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ ઉત્સાહિત જણાતા લિએન્ડર પેસે વડાપ્રધાન અને અન્ય નેતાઓનો આભાર માન્યો હતો. પેસે જણાવ્યું કે, "આજે મારા જીવનનો સૌથી મોટો દિવસ છે. પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ નિતિન નવીનનો આભાર કે તેમણે મને દેશના યુવાઓની સેવા કરવાની તક આપી." તેમણે ઉમેર્યું કે ભાજપનું સભ્યપદ તેમના માટે એક મોટી જવાબદારી છે અને તેઓ જનસેવા માટે કટિબદ્ધ છે.
ભાજપને ફાયદો
રાજકીય વિશ્લેષકોના મતે, લિએન્ડર પેસના આવવાથી ભાજપને બંગાળમાં અનેક સ્તરે ફાયદો થઈ શકે છે. સ્પોર્ટ્સ આઈકોન હોવાને કારણે યુવા મતદારોમાં તેમનો ભારે ક્રેઝ છે, જે ભાજપ તરફ વળી શકે છે. કોલકાતા અને અન્ય શહેરી વિસ્તારોમાં લિએન્ડર પેસની લોકપ્રિયતા ભાજપને મજબૂત વોટ બેંક અપાવી શકે તેમ છે. જો ભાજપ તેમને ચૂંટણી મેદાનમાં ઉતારશે, તો વિરોધ પક્ષો માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યારે ભાજપ અધ્યક્ષ નિતિન નવીન બંગાળ પ્રવાસે હતા ત્યારે લિએન્ડર પેસે તેમની મુલાકાત લીધી હતી, જે આ મોટા રાજકીય પરિવર્તનનો સંકેત હતો. હવે પેસની એન્ટ્રીથી બંગાળની ચૂંટણીમાં રસાકસી વધવાની પૂરેપૂરી શક્યતા છે.