નીતીશ કુમારનું રાજીનામું ભાજપના દબાણનું પરિણામ: તેજસ્વી યાદવનો ગંભીર આક્ષેપ
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના વિધાન પરિષદ પદેથી રાજીનામા બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષી નેતા તેજસ્વી યાદવે સોમવારે એક મોટો આક્ષેપ લગાવ્યો હતો કે નીતીશ કુમારે પોતાની ઈચ્છા વિરુદ્ધ અને ભાજપના ભારે દબાણ હેઠળ આ રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત તેમણે સત્તાધારી એનડીએ સરકાર પર મોંઘવારી, બેરોજગારી અને કાયદો-વ્યવસ્થાના મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા.
ભાજપે નીતીશ કુમાર અને જનતા સાથે છેતરપિંડી કરી: તેજસ્વી
આ ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા આપતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, અન્ય ગૃહમાં ચૂંટાયા બાદ જૂના પદેથી રાજીનામું આપવું એ એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ નીતીશ કુમારનો કિસ્સો શંકાસ્પદ છે. તેમણે દાવો કર્યો કે, "આ નિર્ણય દબાણ હેઠળ લેવાયો છે. એ સ્પષ્ટ છે કે ભાજપના નેતાઓએ નીતીશ કુમાર અને રાજ્યની જનતા બંનેને છેતર્યા છે." તેજસ્વીએ યાદ અપાવ્યું કે 2025 ની વિધાનસભા ચૂંટણી દરમિયાન જ તેમની પાર્ટીએ ચેતવણી આપી હતી કે સત્તામાં આવ્યા બાદ ભાજપ નીતીશ કુમારને બાજુ પર કરી દેશે, જે વાત હવે સાબિત થઈ ગઈ છે.
ચૂંટણી વચનો, મોંઘવારી અને કથળતી કાયદો-વ્યવસ્થા પર નિશાન
સત્તાધારી ગઠબંધન પર ચૂંટણી વચનોના નામે મતદારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવતા તેજસ્વીએ કહ્યું કે, મહિલાઓને આજીવિકા માટે 2 લાખ રૂપિયા આપવાના વચન સામે ચૂંટણીમાં માત્ર 10,000 રૂપિયા જ અપાયા. 125 યુનિટ મફત વીજળીના દાવા વચ્ચે બિહારમાં વીજ દરો દેશમાં સૌથી વધુ છે. તેમણે મોંઘવારી અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુની ચૂંટણી પૂર્ણ થતાં જ ઇંધણના ભાવમાં ભારે વધારો થશે. રાજ્યમાં રોજેરોજ બનતી હત્યા અને ગુનાહિત ઘટનાઓનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે ભાજપનું ધ્યાન માત્ર સત્તા મેળવવા પર છે. સાથે જ તેમણે ગ્રામીણ કાર્ય મંત્રી અશોક ચૌધરી પર પરોક્ષ નિશાન સાધતા તેમને "ડ્રામા પોલિટિક્સ" કરનારા ગણાવ્યા હતા.
2012 થી બિહારમાં અસ્થિરતા, કેરળ-બંગાળમાં ભાજપ હારશે તેવો દાવો
રાજ્યની રાજકીય સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે 2012 થી બિહારમાં કોઈ સ્થિર સરકાર નથી, જેનાથી જનતાના પ્રશ્નો ઉકેલાતા નથી. તાજેતરમાં કરા પડવાથી ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ન મળવા મુદ્દે પણ તેમણે સરકારને ઘેરી હતી. રાષ્ટ્રીય રાજકારણ અંગે વાત કરતા તેજસ્વીએ જણાવ્યું કે RJD કેરળમાં LDF ગઠબંધન હેઠળ 3 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આગામી 3 દિવસ તેઓ કેરળના પ્રવાસે છે અને ત્યારબાદ ઝારખંડ જશે. તેમણે અંતમાં દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળ અને કેરળની ચૂંટણીમાં ભાજપનો ભારે પરાજય થશે.