April 1, 2026
ગુજરાત

સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતીઓના યોગદાન અંગે મહુઆ મોઇત્રાના નિવેદન પર રાજકીય ગરમાવો: ભાજપના આકરા પ્રહાર

05:25:00 PM
Save
Mar 30, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતીઓના યોગદાન અંગે મહુઆ મોઇત્રાના નિવેદન પર રાજકીય ગરમાવો: </span>ભાજપના આકરા પ્રહાર</strong></p>

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતીઓના યોગદાન અંગે કરવામાં આવેલા નિવેદન બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. ગાંધીનગર ખાતે કમલમમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયાએ આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું અને તેને દેશના શહીદો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓનું ઘોર અપમાન ગણાવ્યું હતું.

ગાંધીનગર કમલમ ખાતે ભાજપની પત્રકાર પરિષદ 

ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયાએ TMC સાંસદ મહુઆ મોઇત્રાના નિવેદનની આકરી આલોચના કરી હતી. તેમણે આ નિવેદનને બેબુનિયાદ, તથ્યહીન અને હલકી કક્ષાનું ગણાવતા કહ્યું હતું કે, આઝાદીની લડાઈ કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધી પ્રત્યેક પ્રાંતના લોકોના સહયોગથી લડાઈ હતી, જેમાં 6 લાખથી વધુ વીરોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે. મોઇત્રાનું નિવેદન તેમની બૌદ્ધિક નાદારીનું પ્રદર્શન કરે છે.

ગુજરાતના ક્રાંતિવીરોના બલિદાનનો આપ્યો હવાલો 

ગુજરાતના ઐતિહાસિક યોગદાનનો ઉલ્લેખ કરતા ગેડીયાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહ દ્વારા અંગ્રેજો સામે લડત આપી હતી અને આઝાદી બાદ 562 રજવાડાઓને એકત્ર કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. આ ઉપરાંત, માનગઢ હિલ ખાતે ગુરુ ગોવિંદના નેતૃત્વમાં 1500 થી વધુ આદિવાસીઓએ આપેલી શહીદી, મહાત્મા ગાંધી, ઈન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ અને વિદેશની ધરતી પર તિરંગો લહેરાવનાર મેડમ કામા તેમજ વીર સાવરકર જેવા ક્રાંતિવીરોના બલિદાન અને યોગદાનને ક્યારેય નકારી શકાય નહીં.

વિપક્ષી ગઠબંધનની માનસિકતા પર ઉઠાવ્યા સવાલ 

ભાજપ નેતાએ કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન પર નિશાન સાધતા આક્ષેપ કર્યો હતો કે તેમની માનસિકતા હંમેશા ગુજરાત વિરોધી રહી છે. તેમણે મહુઆ મોઇત્રાના જૂના વિવાદોનો હવાલો આપતા સવાલ ઉઠાવ્યો હતો કે, શું સંસદમાં સવાલ પૂછવા માટે રૂપિયા લેવાના કાળા ઈતિહાસની જેમ આ પ્રાંતવાદ ફેલાવતું નિવેદન પણ કોઈની પાસેથી રૂપિયા લઈને કરવામાં આવ્યું છે? તેમણે વિપક્ષી ગઠબંધનને પણ આ નિવેદન અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા પડકાર ફેંક્યો હતો. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલ અને સહ પ્રવક્તા ડૉ. અશ્વિનભાઈ બેંકર પણ ઉપસ્થિત રહ્યા હતા.