ચૂંટણી માટે "ભાજપના કાર્યકરો હંમેશા તૈયાર" : રાજકોટમાં પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક શરૂ...
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ સંસ્કારધામ BAPS મંદિરના પ્રમુખ સ્વામી હોલ ખાતે આજે ભાજપ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ તેના સંગઠનને ધારદાર બનાવવાની કવાયત હાથ ધરી છે.
આ બેઠકમાં વિશેષ રૂપે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની ગરિમામય ઉપસ્થિતિમાં ચૂંટણીલક્ષી રણનીતિઓ પર મંથન કરવામાં આવશે. સૌરાષ્ટ્રના 15 જિલ્લા અને મહાનગરોના અંદાજિત 1700થી વધુ અપેક્ષિત હોદ્દેદારો આ બેઠકમાં સહભાગી થઈ રહ્યા છે, જે ભાજપના મજબૂત સંગઠન માળખાની પ્રતીતિ કરાવે છે.
આ આયોજન અંગે રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ માધવ દવેએ ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર વર્ષના 365 દિવસ જનસેવા અને સંગઠનના કાર્યોમાં સક્રિય રહે છે, તેથી ચૂંટણી ગમે ત્યારે આવે અમે હંમેશા સજ્જ હોઈએ છીએ. આજે મળી રહેલી આ બેઠકમાં પ્રદેશ નેતૃત્વ દ્વારા આગામી ચૂંટણીઓને જીતવા માટે જે પણ માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવશે, તેને પાયાના સ્તર સુધી પહોંચાડીને અમલી બનાવવામાં આવશે. સામાન્ય રીતે ચૂંટણી નજીક હોય ત્યારે તમામ પક્ષો સક્રિય થતા હોય છે, પરંતુ ભાજપ આ બેઠક દ્વારા અન્ય પક્ષો કરતા એક ડગલું આગળ વધીને પોતાના કાર્યકરોમાં નવા જોમ અને જુસ્સાનો સંચાર કરી રહી છે. આ બેઠકમાં સંગઠન મજબૂતીકરણથી લઈને મતદારો સુધી પહોંચવાના વિવિધ આયામો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે, જે આગામી ચૂંટણીઓમાં પક્ષની જીતનો પાયો નાખશે.