April 10, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

ખેડા ભાજપ ખાલી! 200 કાર્યકરો અને પૂર્વ ધારાસભ્યનું કોંગ્રેસમાં જોડાણ

12:02:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ખેડા ભાજપ ખાલી!</strong></span> 200 કાર્યકરો અને પૂર્વ ધારાસભ્યનું કોંગ્રેસમાં જોડાણ</p>

ગુજરાત ભાજપના ગઢ ગણાતા ખેડા જિલ્લામાં સંગઠનમાં મોટું ભંગાણ પડ્યું છે. કઠલાલ તાલુકાની પીઠાઈ જિલ્લા પંચાયત બેઠક હેઠળના 200થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ ભાજપને 'રામ-રામ' કહી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. પક્ષના પાયાના નેતાઓની સતત અવગણના અને જૂથબંધીથી કંટાળીને લેવાયેલા આ નિર્ણયને કારણે આગામી ચૂંટણીઓમાં ભાજપના મજબૂત ગઢમાં ગાબડું પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં થયેલા આ જોડાણથી કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહનો માહોલ છે.

પૂર્વ ધારાસભ્યના ભત્રીજા મહેશભાઈ ડાભી અને ભાજપ યુવા મોરચાના પૂર્વ મહામંત્રી લખન ડાભી જેવા સક્રિય નેતાઓએ કેસરિયો ત્યાગીને પંજો પકડ્યો છે. આ નેતાઓ લાંબા સમયથી ભાજપના સંગઠનમાં મહત્વની જવાબદારી નિભાવી રહ્યા હતા. પક્ષ છોડનારા કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે ખેડા જિલ્લા અને ખાસ કરીને કઠલાલ તાલુકા ભાજપમાં જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોની સતત અવગણના કરવામાં આવી રહી છે. પક્ષમાં આંતરિક જૂથબંધી અને પાયાના કાર્યકરોને સાઈડલાઈન કરવાની નીતિને કારણે આ સામૂહિક રાજીનામા આપવામાં આવ્યા છે.

કઠલાલ તાલુકાની પીઠાઈ જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા ભાજપના સંગઠનના લગભગ તમામ હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે. આ વિસ્તારના વર્તમાન અને પૂર્વ તાલુકા પંચાયત સભ્યો તેમજ અનેક ગામોના સરપંચો પણ મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાતા ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં પક્ષને મોટું નુકસાન થયું છે. ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં આ તમામ કાર્યકરોનો શિસ્તબદ્ધ રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

કોંગ્રેસ પ્રમુખે આ તબક્કે જણાવ્યું હતું કે, ભાજપના શાસન અને મોંઘવારી-બેરોજગારી જેવી નીતિઓથી કંટાળીને ભાજપના જ પાયાના કાર્યકરો હવે કોંગ્રેસના શરણે આવી રહ્યા છે. આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે આ ઘટનાક્રમ ખેડા જિલ્લાના રાજકારણમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. મજબૂત કાર્યકરો અને સ્થાનિક નેતાઓના પક્ષપલટાથી કોંગ્રેસનું મનોબળ વધ્યું છે, જ્યારે ભાજપ માટે આ આંતરિક અસંતોષ ચિંતાનો વિષય બન્યો છે.