માત્ર પાર્કિંગ માટે આટલો ગુસ્સો? બોપલમાં ડિલિવરી બોય અને રહેવાસીઓ વચ્ચે અથડામણ, બે ભાઈઓ ઘાયલ
અમદાવાદ શહેરના પોશ ગણાતા બોપલ વિસ્તારમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે ગંભીર હિંસાની ઘટના સામે આવી છે. બોપલના વૃંદાવન એપાર્ટમેન્ટમાં ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી આપવા ગયેલા યુવક અને તેના ભાઈ પર સોસાયટીના રહીશો તથા સિક્યુરિટી ગાર્ડે લાકડી અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે બોપલ પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. રાત્રે 26 વર્ષીય શિવાંગપુરી ગોસ્વામી તેના મિત્ર નિલેશ સાથે વૃંદાવન એપાર્ટમેન્ટમાં ઓર્ડર આપવા ગયા હતા.
સોસાયટીમાં બાઈક પાર્ક કરવા જેવી નજીવી બાબતે એક રહીશે વાંધો ઉઠાવી ગાળાગાળી શરૂ કરી હતી. શિવાંગપુરી ઓર્ડર આપી પરત ફરી રહ્યા હતા ત્યારે નશાની હાલતમાં રહેલા કેટલાક શખસોએ ફરી તકરાર કરી હુમલો કર્યો હતો. ઝઘડાની જાણ થતા શિવાંગપુરીનો ભાઈ જયદત્ત ત્યાં બચાવવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન આરોપી ધર્મેશ, કુણાલ અને સિક્યુરિટી ગાર્ડ સહિતના ટોળાએ જયદત્ત પર લાકડી અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, જેમાં તેને આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. વચ્ચે પડેલા શિવાંગપુરી અને તેના મિત્રને પણ બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો.
હુમલો કર્યા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બોપલ પોલીસે આરોપી ધર્મેશ, કુણાલ અને સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસ હાલ સોસાયટીના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.