બુટલેગરોની અવનવી તરકીબ: અમદાવાદમાં નકલી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતું નેટવર્ક ઝડપાયું
ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે બુટલેગરો પોલીસને થાપ આપવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના બોપલ વિસ્તારમાં સામે આવ્યો છે, જ્યાં અન્ય ગાડીની નકલી નંબર પ્લેટ લગાવીને વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. સરખેજ પોલીસે બાતમીના આધારે ઓપરેશન પાર પાડી એક શખ્સની ધરપકડ કરી છે અને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 5 એપ્રિલ 2026ના રોજ મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ સરખેજ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બોપલથી મમતપુરા તરફ જતા એસ.પી. રિંગ રોડ પર એક કેફે પાસે સર્વિસ રોડ પર શંકાસ્પદ સફેદ કાર ઊભી છે.
આ બાતમીના આધારે પોલીસે તુરંત જ સ્થળ પર પહોંચી કારને કોર્ડન કરી હતી અને તેમાં સવાર શખ્સની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસ દરમિયાન કારની ડેકી, પાછળની સીટની નીચે તેમજ ડ્રાઈવર સીટની નીચે અત્યંત ચાલાકીપૂર્વક છુપાવેલો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 456 નંગ દારૂની બોટલ અને બિયરના ટીન, એક મોબાઈલ ફોન અને કાર સહિત કુલ 4,47,936 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીની ઓળખ ૩૫ વર્ષીય શાંતિલાલ ચૌધરી તરીકે થઈ છે.
પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે કે આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે કાર પર બીજી ગાડીની નંબર પ્લેટ લગાવી હતી. આરોપી શાંતિલાલે કબૂલાત કરી છે કે રાજસ્થાનના ઉદયપુરથી ખેમરાજ નામના શખ્સે આ દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. આ જથ્થો અમદાવાદ લાવીને બોપલ બ્રિજ પાસે પહોંચ્યા બાદ ખેમરાજના નિર્દેશ મુજબ ડિલિવરી કરવાની હતી. સરખેજ પોલીસે હાલ શાંતિલાલ ચૌધરીની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર અને ઉદયપુરના બુટલેગર ખેમરાજને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરીથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.