ગરમીમાં લુ/હીટ સ્ટ્રોકથી બચવા આટલું ધ્યાન રાખજો : ગરમીથી બચવા આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી
ઉનાળાની ઋતુમાં વધતા તાપમાન અને હીટવેવની સંભાવનાના લીધે બોટાદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા નાગરિકોની સુરક્ષા માટે એક ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં લૂ થી બચવા અને સ્વાસ્થ્યની જાળવણી માટે કેટલાક અત્યંત જરૂરી સાવચેતીના પગલાં લેવા અને નિયમોનું પાલન કરવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
સંવેદનશીલ લોકો અને વૃદ્ધોની વિશેષ કાળજી લેવા તાકીદ
આરોગ્ય વિભાગની યાદી મુજબ, ગરમીના કારણે કોઈપણ વ્યક્તિ તાણ કે બીમારીનો શિકાર બની શકે છે. ખાસ કરીને શિશુઓ, નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને તડકામાં મજૂરી કરતા લોકો પર વધુ જોખમ રહેલું છે. માનસિક કે શારીરિક રીતે બીમાર, હૃદય રોગ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. એકલા રહેતા વૃદ્ધો અને બીમાર લોકોના સ્વાસ્થ્યનું દૈનિક ધોરણે નિરીક્ષણ કરવું જોઈએ. ઘરને ઠંડુ રાખવા માટે બારીઓ પર પડદા, શટર કે સનશેડનો ઉપયોગ કરવો, રાત્રે બારીઓ ખુલ્લી રાખવી અને દિવસ દરમિયાન નીચેના માળે રહેવાનો આગ્રહ રાખવો.
બપોરે 12 થી 4 વાગ્યા વચ્ચે તડકામાં બહાર નીકળવાનું ટાળો
માર્ગદર્શિકામાં ખાસ ભારપૂર્વક સૂચન કરવામાં આવ્યું છે કે બપોરે 12:00 વાગ્યાથી 4:00 વાગ્યા વચ્ચે તડકામાં બહાર જવાનું ટાળવું. આ પીક કલાકો દરમિયાન સખત શારીરિક પ્રવૃત્તિઓ ન કરવી, ખુલ્લા પગે બહાર ન નીકળવું અને રસોઈ કરવાનું પણ ટાળવું. ચા-કોફી, આલ્કોહોલ અને વધુ ખાંડવાળા કાર્બોનેટેડ પીણાં શરીરમાં પાણીની અછત ઉભી કરે છે અને પેટમાં ખેંચાણ લાવી શકે છે, તેથી તેનું સેવન ટાળવું જોઈએ. ઉચ્ચ પ્રોટીન અને ચરબીયુક્ત ખોરાક ખાવાનું પણ ટાળવું. વધુમાં, પાર્ક કરેલા વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકતું હોવાથી બાળકો કે પાલતુ પ્રાણીઓને બંધ વાહનમાં એકલા ન મુકવા સખત ચેતવણી આપવામાં આવી છે.
સનસ્ટ્રોકથી બચવા લીંબુ શરબત અને ORS નો ઉપયોગ વધારવો
સનસ્ટ્રોક (લૂ) થી બચવા માટે લોકોએ આછા રંગના, સફેદ અને સુતરાઉ ખુલ્લા કપડાં પહેરવા જોઈએ. દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને શક્ય હોય તો લીંબુનું શરબત તથા ORS નું દ્રાવણ બનાવીને પીવું જોઈએ. તડકામાં બહાર નીકળતી વખતે ભીના કપડાંથી માથું ઢાંકી રાખવું અને શરીરને ઠંડુ રાખવા જરૂર જણાય તો અવારનવાર ભીના કપડાથી શરીર લૂછતા રહેવું.