બોટાદમાં ગમખ્વાર અકસ્માત: કાર અને બાઇક વચ્ચેની સામસામી ટક્કરમાં દંપતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત
બોટાદ જિલ્લામાં પાળીયાદ ગામ નજીક સાયલા રોડ પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. રતનપર અને છૈડા ગામની વચ્ચે ફોર વ્હીલર કાર અને બાઇક સામસામે અથડાતા બાઇક પર સવાર 1 દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ગોઝારી ઘટના બાદ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાર અને બાઇક વચ્ચે જોરદાર અથડામણ
પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, બોટાદ જિલ્લાના પાળીયાદ નજીક સાયલા રોડ પર રતનપર અને છૈડા ગામની વચ્ચે માર્ગ પરથી પસાર થઈ રહેલી એક ફોર વ્હીલર કાર અને ટુ વ્હીલર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ બંને વાહનો વચ્ચે સામસામી એટલી જોરદાર ટક્કર થઈ હતી કે અકસ્માત સર્જાયા બાદ બાઇક સીધું રોડની નીચે દૂર સુધી ફંગોળાઈ ગયું હતું.
બાઇક સવાર પતિ-પત્નીએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો
આ ભીષણ અકસ્માતમાં બાઇક પર સવાર 1 પુરુષ અને 1 મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓ એટલી ગંભીર હતી કે બંનેનું સારવાર મળે તે પહેલાં જ ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. એકસાથે પતિ અને પત્નીના મોત નિપજતા માર્ગ પર પસાર થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પોલીસ કાફલો ઘટનાસ્થળે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા
આ ગંભીર અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને માર્ગ પરનો ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. ત્યારબાદ, મૃતક દંપતીના મૃતદેહોને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે પાળીયાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.