બાંગ્લાદેશમાં IPL 2026 ના પ્રસારણ પર બ્રેક: JioStar એ કરાર સમાપ્ત કર્યો, આ છે કારણ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. બંને દેશો વચ્ચે વધતા રાજકીય તણાવની અસર હવે રમતગમત અને મનોરંજન ક્ષેત્ર પર પણ પડી રહી હોય તેમ જણાય છે. બાંગ્લાદેશમાં ભારતીય પ્રીમિયર લીગના પ્રસારણ પરના પ્રતિબંધને ભલે વ્યાપારી કારણ આપવામાં આવ્યું હોય, પરંતુ આડકતરી રીતે તે બંને દેશો વચ્ચેના વણસતા સંબંધોનો સંકેત આપે છે.
ક્રિકેટ પ્રેમીઓ માટે એક ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની આગામી સીઝનનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે નહીં. ભારતીય બ્રોડકાસ્ટર દિગ્ગજ JioStar એ બાંગ્લાદેશી પ્રસારણકર્તા T-Sports સાથેનો પોતાનો કરાર સત્તાવાર રીતે સમાપ્ત કરી દીધો છે, જેના કારણે બાંગ્લાદેશના કરોડો ક્રિકેટ ચાહકો હવે ટીવી કે મોબાઈલ પર સ્થાનિક રીતે મેચ જોઈ શકશે નહીં.
શા માટે તૂટી 'મેગા ડીલ'?
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ કોઈ રાજકીય દબાણ નહીં પરંતુ નાણાકીય વિવાદ હોવાનું સામે આવ્યું છે. JioStar એ T-Sports ને મોકલેલા પત્રમાં સ્પષ્ટતા કરી છે કે બાંગ્લાદેશી ભાગીદાર દ્વારા સંમત થયેલી ચુકવણીની સમયમર્યાદાનું પાલન કરવામાં આવ્યું નથી. વારંવાર 'પેમેન્ટ ડિફોલ્ટ' થવાને કારણે કંપનીએ 2023 થી 2027 સુધીના સબલાઈસન્સિંગ અધિકારો રદ કરવાનો નિર્ણય લીધો છે.
ચાહકો માટે મોટો ફટકો:
વિશ્વની સૌથી અમીર ગણાતી આ લીગની બ્રાન્ડ વેલ્યુ અંદાજે 18.5 બિલિયન ડોલર છે. બાંગ્લાદેશમાં IPL ની લોકપ્રિયતા અત્યંત વધારે છે. જોકે, તાજેતરમાં બાંગ્લાદેશના માહિતી અને પ્રસારણ મંત્રાલયે અગાઉના પ્રતિબંધો હટાવવાના સંકેત આપ્યા હતા, પરંતુ હવે JioStar સાથેનો વ્યાપારી કરાર તૂટી જતાં પ્રસારણ માટે કોઈ સત્તાવાર પાર્ટનર બાકી રહ્યો નથી.
દર્શકોની સંખ્યા પર પડશે અસર:
બાંગ્લાદેશમાં સ્થાનિક પ્રસારણના અભાવે આ વર્ષે IPL ના વ્યુઅરશીપ આંકડાઓ પર માઠી અસર થવાની શક્યતા છે. ખાસ કરીને જ્યારે ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશી ખેલાડીઓનું પ્રદર્શન જોવાની ચાહકોમાં ઉત્સુકતા હોય છે, ત્યારે આ નિર્ણયથી ત્યાંના ક્રિકેટ ફેંસ નિરાશ થયા છે.