બ્લેક મન્ડે: શેરબજારમાં ભૂકંપ....સેન્સેક્સમાં 1300+ પોઈન્ટનું ગાબડું, નિફ્ટી પણ ધરાશાયી
વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને ખાસ કરીને ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વધુ ભીષણ થવાના સંકેતોની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. સપ્તાહના પ્રથમ દિવસે જ દલાલ સ્ટ્રીટમાં હાહાકાર મચી ગયો હતો અને સેન્સેક્સ-નિફ્ટી બંને ઇન્ડેક્સમાં પ્રચંડ ધોવાણ નોંધાયું હતું. સેન્સેક્સ 73,000ની સપાટીની નજીક આજના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 74,532.96 ના પાછલા બંધ સામે 73,732.58 પર ગેપ-ડાઉન ખૂલ્યો હતો. બજારમાં ઓલરાઉન્ડ વેચવાલીને કારણે સેન્સેક્સ એક તબક્કે 1385.62 પોઈન્ટ (1.86%) ગબડીને 73,142.70 ના સ્તરે પહોંચી ગયો હતો.
જેનાથી રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી પણ આજે ભારે દબાણ હેઠળ જોવા મળ્યો હતો. નિફ્ટી 428.20 પોઈન્ટ (1.85%) ના ઘટાડા સાથે 22,686.30 ના સ્તરે સરકી ગયો હતો. ટ્રેડિંગ દરમિયાન નિફ્ટીએ 23,000ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડી હતી, જે ટેકનિકલ દ્રષ્ટિએ રોકાણકારો માટે ચિંતાનો વિષય છે.
મિડલ ઈસ્ટમાં ઈરાન-ઈઝરાયલ વચ્ચે વધતા તણાવને કારણે રોકાણકારોમાં ફફડાટ છે, ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને લીધે મોંઘવારી વધવાની આશંકા તેમજ જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 4.10%, સાઉથ કોરિયાનો કોસ્પી 5.10% અને હોંગકોંગનો હેંગસેંગ 3% સુધી તૂટતા તેની નકારાત્મક અસર ભારતીય બજાર પર પડી હતી. જ્યાં સુધી વૈશ્વિક સ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી બજારમાં વોલેટિલિટી જળવાઈ રહેશે. રોકાણકારો અત્યારે સુરક્ષિત રોકાણ તરફ વળ્યા હોવાથી બજારમાં પ્રોફિટ બુકિંગ અને વેચવાલીનો માહોલ છે.