114 રાફેલ, 60 MTA વિમાન અને AEW&Cની ડિલ ક્યા સુધી થશે પૂરી? રક્ષા મંત્રાલયે સંસદીય સમિતિને આપી માહિતી
ભારતીય વાયુસેના (IAF)ને વધુ મજબૂત બનાવવા માટે વિત્ત વર્ષ 2026-27માં અનેક મોટા સોદા પૂરા કરવાની તૈયારી ચાલી રહી છે. આમાં 114 રાફેલ ફાઇટર જેટ, 60 મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ (MTA) અને વધારાના એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ (AEW&C) સિસ્ટમના સોદા સામેલ છે. આ માહિતી રક્ષા મંત્રાલયે સંસદીય સ્થાયી સમિતિને આપી છે.
રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, 2025-26ના બજેટ અનુમાનોની સરખામણીમાં ભારતીય વાયુસેનાના કેપિટલ બજેટમાં 37.03 ટકાનો વધારો થયો છે. આ ફંડનો ઉપયોગ મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ (રાફેલ સોદા), કોમ્બેટ એનેબલર્સ, મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને મીડિયમ-એલ્ટિટ્યુડ લોંગ-એન્ડ્યોરેન્સ RPA જેવી મોટી યોજનાઓ માટે કરવાની યોજના છે.
ફેબ્રુઆરીમાં મળેલી મંજૂરી
આ વર્ષે ફેબ્રુઆરીમાં રક્ષા અધિગ્રહણ પરિષદ (DAC)એ મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ (MRFA) કાર્યક્રમ હેઠળ 114 રાફેલ જેટની ખરીદીને મંજૂરી આપી હતી. આ જેટ અને સંબંધિત સાધનોના સોદાની અંદાજિત કિંમત 3.25 લાખ કરોડ રૂપિયા છે. આ નવા રાફેલ વિમાનો ભારતમાં જ ફ્રાન્સની ડસોલ્ટ એવિએશન કંપની અને ભારતીય ભાગીદારના સહયોગથી બનાવવામાં આવશે.
48 વિમાનો ભારતમાં જ બનાવવામાં આવશે
રક્ષા અધિગ્રહણ બોર્ડે તાજેતરમાં જ 60 મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ (MTA) ખરીદવાની યોજનાને મંજૂરી આપી છે, જેની અંદાજિત કિંમત 1 લાખ કરોડ રૂપિયા છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જૂના An-32 વિમાનોને બદલવાનો છે. જેમાં 12 વિમાનો 'ફ્લાય-અવે' સ્થિતિમાં આવશે અને 48 વિમાનો ભારતમાં જ બનાવવામાં આવશે. મુખ્ય દાવેદારોમાં એમ્બ્રેયર C-390, લોકહીડ માર્ટિન C-130J અને એરબસ A-400M સામેલ છે.
મંત્રાલયે સમિતિને જણાવ્યું કે, AEW&C ફ્લાઇટ રિફ્યુઅલર અને વિશેષ ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ તેમજ નિરીક્ષણ પ્લેટફોર્મ જેવા મહત્વના યુદ્ધ-સહાયક સાધનો અત્યંત જરૂરી છે. આ સિસ્ટમો માત્ર ઇન્ટેલિજન્સ અને યુદ્ધક્ષેત્રમાં સંચાર ક્ષમતા વધારતી નથી, પરંતુ આધુનિક યુદ્ધની ઇલેક્ટ્રોનિક વ્યવસ્થા વિશે મહત્વની માહિતી પણ પૂરી પાડે છે.
સમિતિએ વાયુસેનાને અપીલ કરી છે કે, વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આધુનિકીકરણ અને તકનીકી ઉન્નતિ માટે આવેલા ભંડોળનો અસરકારક ઉપયોગ કરવામાં આવે. ભારત આત્મનિર્ભરતા તરફ પ્રતિબદ્ધ છે અને રાષ્ટ્રીય લક્ષ્યોને પૂર્ણ સમર્થન આપી રહ્યું છે.