શું ઓસ્કર વિજેતા પોતાની ટ્રોફી વેચી શકે છે? જાણો એકેડમીના આકરા કાયદા
શું ઓસ્કાર ટ્રોફી વેચી શકાય? આ પ્રશ્નનો જવાબ જેટલો સરળ છે, તેના પાછળનો ઇતિહાસ તેટલો જ જટિલ છે. દુનિયાભરના કલાકારો જે ટ્રોફી માટે તલસે છે, તે ટ્રોફીના માલિક બન્યા પછી પણ તેને બજારમાં વેચવી કાયદેસર રીતે અશક્ય છે. પહેલાની કેટલીક ટ્રોફીઓ હરાજીમાં લાખોમાં વેચાઈ હોવા છતાં, આજે આ નિયમો એટલા કડક છે કે એકેડમીની મંજૂરી વિના તેનું પાંદડું પણ હલી શકતું નથી. ઓસ્કારના 'વન ડોલર' નિયમ અને તેના નામકરણની અનોખી કથા.વિશ્વ સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર ગણાતો 'ઓસ્કાર' માત્ર એક સોનેરી મૂર્તિ નથી, પરંતુ તે કલાકારની વર્ષોની મહેનત અને પ્રતિભાનું પ્રતિક છે.
દર વર્ષે એકેડમી એવોર્ડ્સ દરમિયાન વિજેતાઓને આ ખાસ ટ્રોફી એનાયત કરવામાં આવે છે.જોકે, આ ચમકતી ટ્રોફી મેળવ્યા પછી તેને સાચવવા માટે વિજેતાઓએ કેટલાક કડક નિયમોનું પાલન કરવું પડે છે, જેનાથી સામાન્ય લોકો અજાણ છે.મહત્વની વાત એ છે કે આ કડક નિયમ 1951 પછીના એવોર્ડ્સ પર લાગુ પડે છે. તેથી, તે પહેલાની કેટલીક ટ્રોફીઓ હરાજીમાં લાખો ડોલરમાં વેચાઈ છે. પોપ સ્ટાર માઈકલ જેક્સને વર્ષ 1999માં 'ગોન વિથ ધ વિન્ડ' ફિલ્મના ઓસ્કારને અંદાજે 15 લાખ ડોલરમાં ખરીદી હતી.
તેવી જ રીતે 'સિટિઝન કેન' ફિલ્મની ટ્રોફી પણ લાખોમાં વેચાઈ હતી, જેણે આ એવોર્ડની વૈશ્વિક કિંમત સાબિત કરી હતી.જ્યારે ટ્રોફીઓની હરાજી વધવા લાગી, ત્યારે એકેડમીએ કાયદાકીય રક્ષણ મેળવ્યું અને વિજેતાઓ પાસે કરાર કરાવવાનું શરૂ કર્યું. આજે ઓસ્કાર ટ્રોફી વેચવી લગભગ અશક્ય છે. જો કોઈ વારસદાર કે વિજેતા નિયમ તોડે, તો એકેડમી કાયદેસરની કાર્યવાહી કરીને ટ્રોફી પરત મેળવી શકે છે. આમ, ઓસ્કાર ટ્રોફી એ માલિકીની વસ્તુ કરતા સન્માનનું પ્રતિક વધુ છે.
ટ્રોફીની બનાવટ અને નામનો ઇતિહાસ
આ ટ્રોફીનું સત્તાવાર નામ “Academy Award of Merit” છે. 13.5 ઇંચ ઊંચી અને આશરે 3.8 કિલો વજન ધરાવતી આ મૂર્તિ બ્રોન્ઝમાંથી બનાવવામાં આવે છે અને તેના પર 24 કેરેટ સોનાનું પ્લેટિંગ કરવામાં આવે છે. 'ઓસ્કર' નામ પડવા પાછળ પણ એક રોચક કિસ્સો છે; એકેડમીના લાયબ્રેરિયન માર્ગારેટ હેરિકે આ મૂર્તિ જોઈને કહ્યું હતું કે તે તેમના 'કાકા ઓસ્કર' જેવી લાગે છે, ત્યારથી આ નામ પ્રચલિત બન્યું અને 1939માં તેને સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું.
વેચાણ પરનો કડક પ્રતિબંધ અને $1 નો નિયમ
ઘણાને પ્રશ્ન થાય છે કે શું આ કિંમતી ટ્રોફી વેચી શકાય? એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સના નિયમ મુજબ, કોઈપણ વિજેતા પોતાની ટ્રોફી સીધી બજારમાં કે હરાજીમાં વેચી શકતો નથી. જો કોઈ વિજેતા તેને વેચવા માંગે, તો તેણે સૌથી પહેલા તે એકેડમીને માત્ર 1 ડોલર ($1) માં પરત કરવાની ઓફર કરવી પડે છે. આ નિયમનો હેતુ એવોર્ડની ગરિમા જાળવવાનો અને તેને વ્યાપારી વસ્તુ બનતા અટકાવવાનો છે.