કેન્સરના દર્દી માટે કીમોથેરાપી કરતા ઇમ્યુનોથેરાપી કેવી રીતે અલગ છે? જાણો તેની આડઅસરો અને ફાયદા
વિશ્વભરમાં કેન્સરના વધતા જતા કેસો વચ્ચે તબીબી જગતમાં 'ઇમ્યુનોથેરાપી' ચર્ચાનું કેન્દ્ર બની છે. પરંપરાગત સારવાર જેવી કે કીમોથેરાપી અને રેડિયેશનની આડઅસરોથી ડરતા દર્દીઓ માટે ઇમ્યુનોથેરાપી એક નવી આશા લઈને આવી છે. આ પદ્ધતિ શરીરની રોગપ્રતિકારક શક્તિને 'રિચાર્જ' કરીને કેન્સર સામે લડવા સજ્જ કરે છે. પરંતુ, તબીબી નિષ્ણાતો ચેતવણી આપે છે કે આ થેરાપી દરેક પ્રકારના કેન્સર કે દરેક દર્દી માટે રામબાણ ઈલાજ નથી. તેની સફળતાનો આધાર કેન્સરના સ્ટેજ અને પ્રકાર પર રહેલો છે. ભારત સહિત વિશ્વભરમાં કેન્સરના કેસોમાં થઈ રહેલા ચિંતાજનક વધારા વચ્ચે સારવારની નવી પદ્ધતિઓ પર સંશોધન તેજ બન્યું છે. તાજેતરના વર્ષોમાં 'ઇમ્યુનોથેરાપી' કેન્સર સામેની લડાઈમાં એક શક્તિશાળી હથિયાર તરીકે ઉભરી આવી છે.
આ થેરાપી દરેક કેન્સરના દર્દી માટે યોગ્ય કે અસરકારક નથી. કીમોથેરાપી સીધા જ ઝડપથી વધતા કોષો (કેન્સર કોષો) પર ઝેરી પ્રહાર કરે છે, જેમાં ક્યારેક તંદુરસ્ત કોષો પણ મરી જાય છે. જ્યારે ઇમ્યુનોથેરાપી શરીરના રોગપ્રતિકારક કોષોને સક્રિય કરે છે જેથી તે પોતે જ કેન્સરને ઓળખીને તેનો શિકાર કરે છે, કીમોમાં વાળ ખરવા, ઉલ્ટી અને અત્યંત નબળાઈ સામાન્ય છે. ઇમ્યુનોથેરાપીમાં આવી આડઅસરો ઓછી હોય છે, પરંતુ તેમાં ત્વચા પર ખંજવાળ કે ફ્લૂ જેવા લક્ષણો જોવા મળી શકે છે.
ઇમ્યુનોથેરાપી: શરીરની શક્તિનો ઉપયોગ
ઇમ્યુનોથેરાપી એ એક એવી સારવાર પદ્ધતિ છે જે કેન્સરના કોષો સામે લડવા માટે શરીરની પોતાની રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે. સામાન્ય રીતે કેન્સરના કોષો રોગપ્રતિકારક તંત્રને છેતરીને શરીરમાં ફેલાતા હોય છે, પરંતુ આ થેરાપી શરીરના કોષોને કેન્સરના દુશ્મન કોષોને ઓળખવા અને તેનો નાશ કરવા માટે તાલીમ આપે છે.
કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી વચ્ચેનો તફાવત
કીમોથેરાપી શરીરના કેન્સરગ્રસ્ત કોષોની સાથે સ્વસ્થ કોષોને પણ નુકસાન પહોંચાડે છે, જેના કારણે વાળ ખરવા, અત્યંત થાક અને નબળાઈ જેવી સમસ્યાઓ સર્જાય છે. તેની સરખામણીમાં ઇમ્યુનોથેરાપીની આડઅસરો ઓછી અને મર્યાદિત હોય છે, કારણ કે તે શરીરના કુદરતી સંરક્ષણ તંત્રને મજબૂત બનાવે છે.
કયા પ્રકારના કેન્સર માટે છે અસરકારક?
તબીબી સંશોધનો મુજબ, ફેફસાનું કેન્સર કિડનીનું કેન્સર અને મેલાનોમા (સ્કીન કેન્સર) જેવા જીવલેણ રોગોમાં ઇમ્યુનોથેરાપીના પરિણામો અત્યંત આશાસ્પદ રહ્યા છે. જે દર્દીઓ પર અન્ય સારવાર કારગત નહોતી નીવડતી, તેમના માટે આ થેરાપી આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
દરેક દર્દી માટે કેમ નથી?
નિષ્ણાતો ચેતવણી આપે છે કે આ થેરાપી દરેક દર્દી માટે 'વન-સાઇઝ-ફિટ્સ-ઓલ' નથી. કેન્સરનો પ્રકાર, તેનો સ્ટેજ અને દર્દીના જિનેટિક બંધારણના આધારે તેની અસર બદલાઈ શકે છે. કેટલાક દર્દીઓમાં આ થેરાપી અદભૂત કામ કરે છે, જ્યારે અન્યમાં તેની અસર નહિવત પણ હોઈ શકે છે.
સાવચેતી અને મર્યાદાઓ
ઇમ્યુનોથેરાપી માત્ર નિષ્ણાત ઓન્કોલોજિસ્ટની દેખરેખ હેઠળ જ આપવી જોઈએ. આ સારવારમાં ક્યારેક રોગપ્રતિકારક શક્તિ અતિશય સક્રિય થઈ જવાથી શરીરના અન્ય તંદુરસ્ત અંગો પર હુમલો કરવાનું જોખમ રહેલું હોય છે. ઉપરાંત, આ સારવારનો ખર્ચ પણ ઘણો વધારે હોઈ શકે છે.
ભવિષ્યની આશા
વૈજ્ઞાનિકો સતત નવી દવાઓ અને ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે જેથી ઇમ્યુનોથેરાપીને વધુ સસ્તી અને વધુ દર્દીઓ માટે સુલભ બનાવી શકાય. કેન્સર સામેની જંગમાં તે આવનારા સમયની સૌથી મહત્વની કડી સાબિત થશે, પરંતુ તેની પસંદગી અત્યંત સાવચેતીપૂર્વક કરવી જરૂરી છે.