UPSC ની પરીક્ષામાં ફેલ જાહેર થવા છતાં ઉમેદવાર આપશે ઇન્ટરવ્યુ, હાઇકોર્ટનો શા માટે આપ્યો આવો આદેશ !
દેશની સર્વોચ્ચ સ્પર્ધાત્મક પરીક્ષા ગણાતી યુપીએસસી (UPSC) માં જ્યારે પારદર્શિતા અને સચોટતા પર સવાલ ઉઠે છે, ત્યારે હજારો ઉમેદવારોના ભવિષ્ય દાવ પર લાગતા હોય છે. બંધારણીય જોગવાઈઓના અર્થઘટનમાં થતી નાની અમથી ભૂલ પણ કોઈ તેજસ્વી વિદ્યાર્થીને વર્ષોની મહેનત છતાં નિષ્ફળતાની ગર્તામાં ધકેલી શકે છે. ગાંધીનગરના એક ઉમેદવારે સિસ્ટમ સામે લડેલી આ કાનૂની લડાઈ એ સાબિત કરે છે કે જો સત્ય અને તથ્યો મજબૂત હોય, તો ન્યાયતંત્ર વહીવટી ભૂલોને સુધારીને ઉમેદવારના સપનાઓને પુનઃજીવિત કરી શકે છે.
ગુજરાત હાઇકોર્ટે યુપીએસસી (UPSC) દ્વારા લેવાયેલી પરીક્ષાના ગુણાંકન અને આન્સર-કી મામલે એક અત્યંત મહત્વપૂર્ણ વચગાળાનો આદેશ આપ્યો છે. ગાંધીનગરના ઉમેદવાર જયમીન પટેલે બંધારણના એક પ્રશ્નના ખોટા જવાબ મુદ્દે કરેલી કાનૂની લડાઈમાં તેમને મોટી સફળતા મળી છે. હવે આ ઉમેદવાર 6 એપ્રિલ, 2026 થી શરૂ થતા ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) ના મૌખિક ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકશે.
શું હતો વિવાદિત પ્રશ્ન?
વર્ષ 2024 ની સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ પરીક્ષાના જનરલ સ્ટડીઝ પેપર-I ના પ્રશ્ન નંબર 25 માં કેન્દ્રીય બજેટ અંગે બે વિધાનો આપવામાં આવ્યા હતા.
UPSC નો જવાબ: બંને વિધાનો સાચા (Option C).
અરજદારની રજૂઆત: બંધારણની કલમ 112 મુજબ, વાર્ષિક બજેટ 'રાષ્ટ્રપતિ વતી' રજૂ કરવામાં આવે છે, 'વડાપ્રધાન વતી' નહીં. આથી માત્ર વિધાન 2 જ સાચું છે (Option B).
અરજદારને પ્રિલિમ્સમાં 98.29 ગુણ મળ્યા હતા, જ્યારે કટ-ઓફ 100.35 હતું. જો આ પ્રશ્ન સાચો ગણાય, તો તેમને વધારાના 2.06 ગુણ મળે અને તેઓ મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરે તેમ હતા.
કોર્ટનું અવલોકન અને વચગાળાની મંજૂરી
ગુજરાત હાઇકોર્ટે પ્રથમ દ્રષ્ટિએ સ્વીકાર્યું કે UPSC નો જવાબ ખોટો જણાય છે. કોર્ટે અગાઉ આદેશ આપી ઉમેદવારને 2025 ની મુખ્ય પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી હતી. આ પરીક્ષાનું પરિણામ સીલબંધ કવરમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું, જેમાં જયમીન પટેલ લેખિત મુખ્ય પરીક્ષામાં ક્વોલિફાઇ (પાસ) જાહેર થયા છે.
હાઇકોર્ટના કડક નિર્દેશો
UPSC એ વયમર્યાદા અને બેચના ફેરફારના મુદ્દે ઇન્ટરવ્યુમાં બેસવા દેવાનો વિરોધ કર્યો હતો, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધો હતો. કોર્ટે કેટલીક શરતો સાથે ઇન્ટરવ્યુની મંજૂરી આપી છે. ઉમેદવાર 6 એપ્રિલ, 2026 થી શરૂ થતા ઇન્ટરવ્યુમાં બેસી શકશે. પરંતુ ઉમેદવારે લેખિતમાં આપવું પડશે કે આ મંજૂરીથી તેમનો નોકરી પર કોઈ કાયમી હક ઊભો થતો નથી. ઇન્ટરવ્યુનું પરિણામ ફરીથી સીલબંધ કવરમાં રાખવામાં આવશે અને અન્ય ઉમેદવારોના પરિણામ જાહેર થાય ત્યારે જ કોર્ટ સમક્ષ રજૂ કરાશે.
આ કેસમાં સુપ્રીમ કોર્ટે પણ અગાઉ હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી UPSC ની અરજી ફગાવી દીધી હતી, જે અરજદાર માટે ન્યાયની દિશામાં મોટું ડગલું સાબિત થયું છે.