સાહેબ હવે સંભાળીને.... કાર્યક્ષેત્રની તાસીર સમજ્યા વગર જ જય-જયકાર કરાવવાની ઉતાવળમાં સાહેબને લોચો પડ્યો....
પોલીસ ડિપાર્ટમેન્ટના ખાખી પડદા પાછળ શું ચાલે છે? ક્યારેક નાની ગપસપ, ક્યારેક મોટી અંદરની વાત, તો ક્યારેક પોલીસ સ્ટેશનની રમૂજ અને અધિકારીઓની ચર્ચાઓ… ‘ઇન સેકન્ડ્સ’ના વાચકો માટે અમે લાવી રહ્યા છીએ એક ખાસ, ચટપટી અને હળવી શૈલીની રજૂઆત — “સાહેબ… હવે સંભાળીને!” અહીં તમને મળશે રાજ્યભરના પોલીસ બેડામાં ચાલતી સાચી વાતો, જેની ચર્ચા જોરશોરથી થાય છે પરંતુ બહાર બહુ ઓછી આવે છે. તો તૈયાર રહેજો, દર ગુરુવારે, ખાખીના પડદા પાછળની રસપ્રદ કહાણીઓ જાણવા માટે… માત્ર ‘ઇન સેકન્ડ્સ’ પર.
સાહેબ હવે સંભાળીને....
નગર મેં જોગી આયા કે પછી જય જય કાર કરવા માટે મેનેજમેન્ટ સાથે પેમેન્ટ ગુરુ આવ્યા...
ખુબ દૂરથી નગરમાં આવેલા સાહેબને હજી પોતાના કાર્યક્ષેત્રની તાસીર ખબર નથી, ત્યારે પોતાના જય જય કાર માટે પાસા ગોઠવ્યા પણ ક્યાંક લોચો ઉભો થયો છે. તાજેતરમાં ખુબ ખુશ થઈને ખૂણામાં ગયેલા આ અધિકારી હજી જઈને પોતાના ખાસ ગણાતા ખેલાડીઓને કહ્યું બોલો શું કરવું છે. પણ આ પહેલા તો એક આગળ આવ્યો અને કહ્યું સાહેબે ઘસો ચિરાગ શું હાજર કરું. આમ કહીને સાહેબને પહેલા મેનેજમેન્ટના પાઠ શીખવાડ્યા પછી પેમેન્ટના અને સાહેબને અનંત બ્રહ્માંડની કલ્પનાઓની સફર કરાવવાની શરૂ કરી છે. આવા સમયે જય જય કાર કરાવીને PI હવે કલ્પનામાં અને માણસો કલેક્શનમાં ગોઠવાયા છે.
એક બુટલેગરે ખાટલા પર દારૂની બોટલો પાથરી, પછી પોલીસ માત્ર એક નાની બાટલીનો કેસ કર્યો બોલો કોણે મોકો આપ્યો હશે...
અમદાવાદમાં હોસ્પિટલને પોતાનું નવું સરનામું બનાવનાર વ્યક્તિએ એક PIને એટલી બધી મદદ કરી તમે મને મોકો આપો હું ગુનેગારને મુક્કો મારીશ. પણ આમાં થયું એવુ કે ભૂરાને મુક્કો મારવાની જગ્યાએ મિત્રતા કરી દીધી. ત્યારબાદ પોલીસ ગુનેગારની જોડી હવે સોશિયલ મીડિયામાં દારૂના વેચાણ માટે મુકેલા ફોટાના કારણે વિવાદમાં આવી ગઈ. બુટલેગર ખાટલા પર દારૂ ગોઠવ્યો અને પછી તેને ફોટો સોશિયલ મીડિયામાં મૂક્યો. બુટલેગરને આપેલો મોકો ગળાનું હાડકું બને તે પહેલા એક નાની બોટલનો કેસ કરાવડાવો પડ્યો છે. હવે ગુનેગારના માસીહા પોલીસ કર્મી હોસ્પિટલની પાસેથી ખસીને પવિત્ર જગ્યાએ બેસવાનું શરૂ કર્યું છે.
ખંડિત રહેલા પોલીસ સ્ટેશનમાં આખરે નવા અધિકારી મળ્યા...
અમદાવાદનું એક પોલીસ સ્ટેશન છેલ્લા ઘણા મહિનાથી ખંડિત જેવું રહ્યું એટલે કે અહીંયા આવેલા PI ક્યારેક બીમાર થઈ જવાથી ઇન્ચાર્જમાં ચાલતા અથવા ઘણી વખત એક મહિનામાં જ બદલી થઈ ગયાં. આમ તો આ પોલીસ સ્ટેશન સામાન્ય રીતે કોઈના ધ્યાનમાં આવતું નહોતું પણ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા લોકો માટે આ મહત્વનું ગણવામાં આવે છે. હવે આ જગ્યાએ ઘણા સમયથી ખાલી પડી હતી ત્યારે બહારથી આવેલા એક PIને અહીંયા પોસ્ટિંગ મળી છે. આ જગ્યાએ હવે કોઈ સમસ્યા ના સર્જાય તેવી ચર્ચા આ પોલીસ સ્ટેશનનો સ્ટાફ કરી રહ્યો છે.
અમદાવાદમાં હતા અને ફરીથી આવેલા PIની ઈચ્છા પુરી થઈ...
થોડા સમય પહેલા એક સાથે અમદાવાદ શહેરમાં 51 PIની બદલી થઈ ત્યારે ઘણા PI અગાઉ રાજકીય અને પોતાના રંગીન સ્વભાવના કારણે તેમના કાલમાં વિવાદમાં આવી ચુક્યા હોવાની ચર્ચા છે. એકાદ PIને તો નેતા એ જ અહીંયાથી બદલી કરાવ્યા તો એક PI તો સાંજ પડે ને પગ મારાં દુખે એવા ગીતોના પણ શોખીન કહેવાય છે. તેમણે આ વખતે પશ્ચિમમાં આવવું જ ના હતું તેવા ગુણલા ગાતા હતા. ત્યારે ભગવાને પણ તેમની વાત સાંભળી અને બધાને ગમે એવી જગ્યાએ જવાનો તેમણે મોકો આપ્યો છે.