April 8, 2026
ભારત

CBSE સ્કૂલોમાં લાગુ થશે નવો ભાષા ફોર્મ્યુલા, માતૃભાષા અને ભારતીય ભાષાઓને મળશે પ્રાધાન્ય

01:27:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>CBSE સ્કૂલોમાં લાગુ થશે નવો ભાષા ફોર્મ્યુલા, </strong></span>માતૃભાષા અને ભારતીય ભાષાઓને મળશે પ્રાધાન્ય</p>

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડએ નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને શાળાકીય શિક્ષણમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. અત્યાર સુધી શાળાઓમાં સામાન્ય રીતે બે ભાષાઓ ભણાવવામાં આવતી હતી, પરંતુ હવે નવા '3 લેંગ્વેજ ફોર્મ્યુલા' મુજબ દરેક વિદ્યાર્થીએ ત્રણ ભાષાઓ ભણવી ફરજિયાત રહેશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ભારતીય ભાષાઓ પ્રત્યે રુચિ વધારવાનો અને તેમને બહુભાષી બનાવવાનો છે. આ નવા નિયમોમાં સૌથી ચોંકાવનારો વળાંક એ છે કે અંગ્રેજીને હવે ભારતીય ભાષાને બદલે 'વિદેશી ભાષા' તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.

આ ફેરફારને કારણે હવે વિદ્યાર્થીઓ માત્ર હિન્દી અને અંગ્રેજી વિષયો ભણીને ધોરણ-10 પાસ કરી શકશે નહીં. જો કોઈ વિદ્યાર્થી અંગ્રેજી રાખવા માંગે છે, તો તેણે તેની સાથે અન્ય બે ભારતીય ભાષાઓ (જેમ કે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત કે મરાઠી) ફરજિયાતપણે પસંદ કરવી પડશે. નવો ફોર્મ્યુલા લાગુ કરવા સામે સૌથી મોટો પડકાર યોગ્ય શિક્ષકોની ઉપલબ્ધતાનો છે. જો ઉત્તર ભારતનો કોઈ વિદ્યાર્થી દક્ષિણ ભારતની તમિલ કે પૂર્વ ભારતની ઓડિયા ભાષા શીખવા માંગતો હોય, તો શાળાઓ પાસે તે ભાષાઓ ભણાવવા માટે પૂરતા શિક્ષકો નથી.

આ સ્થિતિમાં શાળાઓએ નવા શિક્ષકોની ભરતી કરવી પડશે અથવા ડિજિટલ માધ્યમોનો સહારો લેવો પડશે, જે એક મોટો વ્યવસ્થાપક પડકાર સાબિત થઈ શકે છે. સીબીએસઈના આ પગલાથી ભારતીય શિક્ષણ પદ્ધતિમાં માતૃભાષા અને પ્રાદેશિક ભાષાઓનું મહત્વ વધશે. અંગ્રેજીને વિદેશી ભાષા ગણવાથી ભારતીય ભાષાઓના સંરક્ષણ અને પ્રસારને વેગ મળશે. જોકે, આ ફેરફારો વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર વધારશે કે તેમની ક્ષમતાઓમાં વધારો કરશે, તે તો આગામી શૈક્ષણિક સત્રોમાં આ નીતિના અમલીકરણ બાદ જ ખબર પડશે.

શું છે R1, R2 અને R3 ફોર્મ્યુલા?

બોર્ડે ભાષાઓને ત્રણ કેટેગરીમાં વહેંચી છે. R1 માં એ ભાષા હશે જે બાળકને સૌથી વધુ આવડે છે અથવા તેની માતૃભાષા છે, જેને ઉચ્ચ સ્તરે ભણાવવામાં આવશે. R2 માં મધ્યમ સ્તરની બીજી ભાષા અને R3 માં ત્રીજી ફરજિયાત ભાષાનો સમાવેશ થાય છે. આ ત્રીજી ભાષાનો અભ્યાસ વિદ્યાર્થીઓએ ધોરણ-6 થી શરૂ કરવાનો રહેશે, જેથી તેઓ પાયાના સ્તરથી જ નવી ભાષા શીખી શકે.

ભાષા સિવાય બોર્ડે ગણિત અને વિજ્ઞાન વિષયોમાં પણ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આપ્યા છે. ધોરણ-9 થી હવે ગણિત અને વિજ્ઞાનમાં 'એડવાન્સ્ડ લેવલ'નો વિકલ્પ મળશે. જે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં એન્જિનિયરિંગ કે વિજ્ઞાનના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે, તેઓ 25 ગુણની વધારાની એડવાન્સ્ડ ટેસ્ટ આપી શકશે. આના ગુણ મુખ્ય ટકાવારીમાં નહીં જોડાય, પરંતુ માર્કશીટ પર વિશેષ નોંધ તરીકે દર્શાવવામાં આવશે.