મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, માતાના દર્શન કરી પાછા ફરતા 5 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બુધવારે મોડી રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. શહેરના થાટીપુર જૈન મંદિર પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક સ્કોર્પિયો કારે ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બની ગયા હતા. પોલીસ તપાસ અનુસાર, આ દુર્ઘટના રાત્રે અંદાજે 3 વાગ્યાની આસપાસ બસ સ્ટેન્ડ નજીક બની હતી. સ્કોર્પિયો ચાલકે સૌપ્રથમ બસ સ્ટેન્ડ પાસે એક અન્ય વાહનને ટક્કર મારી હતી, જેના કારણે તે ગભરાઈ ગયો હતો અને સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો.
બેકાબૂ બનેલી સ્કોર્પિયોએ આગળ જઈને જૈન મંદિર પાસે ઉભેલી ઓટો રિક્ષાને ધડાકાભેર હડફેટે લીધી હતી, આ ભયાનક અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ દુર્ઘટનામાં અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં 5 અને 6 વર્ષના માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે, તમામ ઇજાગ્રસ્તોને હાલ ટ્રોમા સેન્ટરમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માતનો ભોગ બનેલા મૃતકોમાં ઇન્દ્રજીત શાક્ય (55), લીલા (52), શુભમ (30), પ્રીતિ કશ્યપ (60) અને શગુનનો સમાવેશ થાય છે.
બીજી તરફ, 20 વર્ષીય પ્રીતિ, 5 વર્ષીય પ્રિયાંશ અને 6 વર્ષીય આરવ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામ શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે જ કાળ તેમને આંબી ગયો હતો. ઘટનાની જાણ થતા જ સીએસપી અતુલ કુમાર સોની સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્કોર્પિયો ચાલકની તાત્કાલિક અસરથી ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું મુખ્ય કારણ અતિશય ઝડપ અને ચાલકની ઘોર બેદરકારી હોવાનું જણાયું છે.
ડ્રાઈવર નશામાં હતો કે કેમ તે જાણવા માટે તેનું મેડિકલ પરીક્ષણ પણ કરાવવામાં આવી રહ્યું છે. માતાના દર્શન કરી પવિત્ર ભાવના સાથે પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ખુશીની સફર માતમમાં ફેરવાઈ ગઈ છે. એક જ પરિવાર અને ગ્રુપના સભ્યોના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માતના દ્રશ્યો એટલા ભયાનક હતા કે રસ્તા પરથી પસાર થતા લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.