એપ્રિલ મહિનામાં મળશે એકસાથે 3 મહિનાનું અનાજ, કેન્દ્ર સરકારની મોટી જાહેરાત
રેશનકાર્ડ ધારકો માટે એપ્રિલ મહિનો ડબલ ખુશીઓ લઈને આવશે. કેન્દ્ર સરકારે એપ્રિલમાં જ આગામી ત્રણ મહિનાનો અનાજનો જથ્થો એકસાથે આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. બીજી તરફ, સંસદમાં રજૂ કરાયેલા આંકડા અનુસાર, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં લાખો અપાત્ર રેશનકાર્ડ રદ કરીને રેશન વિતરણ પ્રણાલીને સંપૂર્ણપણે ડિજિટાઈઝ અને પારદર્શક બનાવવામાં આવી છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશના કરોડો રેશનકાર્ડ ધારકો અને ગરીબ પરિવારો માટે રાહતના સમાચાર આપ્યા છે.
આગામી એપ્રિલ 2026માં લાભાર્થીઓને રાહત આપતા એકસાથે ત્રણ મહિનાનું અનાજ વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ, રેશનિંગ સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે સરકારે કડક વલણ અપનાવી દેશભરમાંથી લાખો અપાત્ર રેશનકાર્ડ પણ રદ કર્યા છે.સરકારના આ પગલાથી સિસ્ટમમાં રહેલી ગેરરીતિઓ દૂર થશે અને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાનો લાભ પારદર્શક રીતે પહોંચશે.
એપ્રિલ, મે અને જૂનનું અનાજ એકસાથે મળશે
કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સત્તાવાર માહિતી આપવામાં આવી છે કે, એપ્રિલ 2026માં લાભાર્થીઓને એપ્રિલ, મે અને જૂન એમ ત્રણેય મહિનાનો અનાજનો જથ્થો એકસાથે આપવામાં આવશે.પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓ પોતાની નજીકની સરકારી સસ્તા અનાજની દુકાને જઈને નિર્ધારિત સમયે આ જથ્થો મેળવી શકશે.આ નિર્ણયથી ગરીબ પરિવારોને આગોતરું આયોજન કરવામાં મોટી મદદ મળશે.