IPL 2026 માં MS ધોનીના કમબેકની તારીખ નક્કી! જાણો ક્યારે રમશે પ્રથમ મેચ
ઇન્ડિયન પ્રીમિયર લીગની આ સીઝનમાં સતત ત્રણ પરાજયનો સામનો કરી રહેલી ટીમ હવે ફરી બેઠી થવા જઈ રહી છે. ટીમના સૌથી લોકપ્રિય અને દિગ્ગજ ખેલાડી એમએસ ધોની લાંબા સમયની ઈજા બાદ આખરે મેદાનમાં વાપસી કરવા માટે તૈયાર છે. પ્રી-સીઝન કેમ્પ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા માહીની ગેરહાજરીમાં ટીમને નેતૃત્વ અને અનુભવની જે ખોટ વર્તાઈ રહી હતી, તે હવે દૂર થવાની આશા જાગી છે. આગામી શનિવારે ચેપોક સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ સામે રમાનારા મુકાબલામાં 'થાલા' મેદાનમાં ઉતરે તેવી પ્રબળ શક્યતા છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની શરૂઆતમાં સતત ત્રણ હારનો સામનો કરનાર ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રાહતના સમાચાર આવ્યા છે. ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી એમએસ ધોની અને યુવા આક્રમક બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ ઈજામાંથી સાજા થઈ રહ્યા છે અને આગામી મેચમાં ટીમમાં વાપસી કરી શકે છે. ટીમ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, એમએસ ધોની પ્રી-સીઝન કેમ્પ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે અત્યાર સુધી એક પણ મેચ રમી શક્યો નથી.
જોકે, હાલમાં તે પ્રેક્ટિસ સેશનમાં જોરદાર બેટિંગ કરી રહ્યો છે. ધોની આગામી દિવસોમાં ફિટનેસ ટેસ્ટ આપશે અને જો તે સફળ રહેશે, તો શનિવારે ચેપોક સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં તે પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળી શકે છે. માત્ર ધોની જ નહીં, પણ દક્ષિણ આફ્રિકાના યુવા સ્ટાર ડેવાલ્ડ બ્રેવિસ પણ સાઈડ સ્ટ્રેનની ઈજામાંથી ઉભરી રહ્યો છે. બ્રેવિસની ગેરહાજરીમાં ચેન્નાઈનો મિડલ ઓર્ડર નબળો જણાતો હતો, પરંતુ તેની વાપસીથી બેટિંગ લાઇનઅપમાં સંતુલન આવશે અને ટીમ વધુ મજબૂત બનશે.
CSK ની શરૂઆત આ સીઝનમાં અત્યંત નિરાશાજનક રહી છે. સતત ત્રણ પરાજય બાદ ટીમ પોઈન્ટ ટેબલમાં પાછળ ધકેલાઈ છે. આવી સ્થિતિમાં ધોનીનું અનુભવી નેતૃત્વ અને બ્રેવિસની આક્રમકતા ટીમ માટે ‘ટર્નિંગ પોઈન્ટ’ સાબિત થઈ શકે છે. ટીમ મેનેજમેન્ટ આ બંને ખેલાડીઓની વાપસી અંગે સાવચેતીપૂર્વક નિર્ણય લઈ રહ્યું છે જેથી તેઓ લાંબી સીઝન માટે સંપૂર્ણ ફિટ રહે. શનિવારે ચેપોકના મેદાન પર ધોનીના પુનરાગમનને જોવા માટે ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.