છોટા ઉદેપુરના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં.....
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ગઢબોરીયાદ રેન્જ હેઠળ આવતા જામલી ગામના જંગલ વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઉનાળાની શરૂઆતમાં જ લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેના કારણે વન્ય સંપદાને મોટું નુકસાન પહોંચ્યું છે. આ વિકરાળ આગની સૌથી વધુ અસર નિર્દોષ વન્યજીવો પર પડી છે. મળતી માહિતી અનુસાર, જામલીના જંગલમાં લાગેલી આગમાં ગૂંગળામણ અને દાઝી જવાને કારણે અસંખ્ય નાના-મોટા વન્યજીવો અને પક્ષીઓના કરુણ મોત નિપજ્યા છે.
આગ એટલી ભયાનક છે કે વન્યપ્રાણીઓએ પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળોએ અને માનવ વસાહતો તરફ ભાગવાની ફરજ પડી છે, જે વનવિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે.આગના કારણે જંગલમાં રહેલા કિંમતી વૃક્ષો, વનસ્પતિ અને દુર્લભ ઔષધિઓ બળીને ખાખ થઈ ગઈ છે. જામલી ગામની આસપાસનો ડુંગરાળ વિસ્તાર સૂકા ઘાસ અને પાંદડાઓને કારણે ઝડપથી આગની ઝપેટમાં આવી રહ્યો છે. વનવિભાગના મતે, આ આગને કારણે પર્યાવરણને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવામાં લાંબો સમય લાગી શકે તેમ છે.
આગ ઓલવવાની કામગીરીમાં વનવિભાગની લાચારી પણ સામે આવી છે. આટલી વિશાળ આગને કાબૂમાં લેવા માટે વનવિભાગના માત્ર ચાર જ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી શક્યા હતા. આગનો વ્યાપ અને ભૌગોલિક પરિસ્થિતિ જોતા આ સ્ટાફ અત્યંત ઓછો સાબિત થઈ રહ્યો છે. પૂરતા સાધનો અને મેનપાવરના અભાવે આગ પર કાબૂ મેળવવો વનકર્મીઓ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. જામલી જંગલનો વિસ્તાર અત્યંત ડુંગરાળ અને દુર્ગમ હોવાથી ફાયર બ્રિગેડના વાહનો કે ભારે મશીનરી ત્યાં પહોંચી શકતી નથી. પહાડી વિસ્તારોમાં લાગેલી આગને ઓલવવા માટે માત્ર પરંપરાગત પદ્ધતિઓ અને સ્થાનિક ગ્રામજનોની મદદ લેવામાં આવી રહી છે.
પવનની દિશા બદલાતા આગ વધુ ઝડપથી પ્રસરી રહી છે, જે રાહત કામગીરીમાં સૌથી મોટો અવરોધ ઉભો કરી રહી છે. વનવિભાગ દ્વારા હાલમાં સ્થાનિકોની મદદથી આગ પર કાબૂ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ આગ કુદરતી રીતે પાંદડાઓના ઘર્ષણથી લાગી છે કે કોઈ અસામાજિક તત્વો દ્વારા શિકાર અથવા અન્ય હેતુસર લગાડવામાં આવી છે, તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આવી ઘટનાઓ ન બને તે માટે વનવિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારવાની ખાતરી આપવામાં આવી છે.