1 એપ્રિલથી દેશમાં અનેક ચાઇનીઝ CCTV કેમેરાના વેચાણ પર લાગી શકે છે રોક, જાણો શું છે નવા નિયમો અને તેની અસરો
ભારતમાં ઈન્ટરનેટથી કનેક્ટેડ CCTV કેમેરાના ઉપયોગને લઈને કેન્દ્ર સરકાર હવે અત્યંત કડક વલણ અપનાવી રહી છે, જેના ભાગરૂપે આગામી 1 એપ્રિલથી બજારમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે. નેશનલ સિક્યુરિટી અને ડેટા પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા નવા દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે, જે હેઠળ હવે દરેક CCTV ઉપકરણ માટે વિશેષ સર્ટિફિકેશન અનિવાર્ય બનશે. આ કડક નિયમોને કારણે હિકવિઝન, દહુઆ અને ટીપી-લિંક જેવી અગ્રણી ચીની બ્રાન્ડ્સ મુશ્કેલીમાં મુકાઈ શકે છે, કારણ કે રિપોર્ટ્સ મુજબ આ કંપનીઓને ભારતમાં તેમના અમુક ચોક્કસ ડિવાઈસ વેચવાની પરવાનગી પાછી ખેંચવામાં આવી શકે છે. તાજેતરમાં એવા ગંભીર અહેવાલો પણ સામે આવ્યા હતા કે ચીની કમ્પોનન્ટ્સ ધરાવતા કેમેરા દ્વારા ભારતનો સંવેદનશીલ ડેટા વિદેશમાં મોકલવામાં આવી રહ્યો હતો, જેના પગલે સુરક્ષા એજન્સીઓએ સતર્કતા વધારી દીધી છે.
સરકાર દ્વારા લાદવામાં આવેલા નવા નિયમો મુજબ, હવે ભારતમાં વેચાતા કોઈપણ સીસીટીવી કેમેરાના હાર્ડવેર અને સોફ્ટવેરની સંપૂર્ણ વિગતો સત્તાધિકારીઓને આપવી પડશે, જેમાં કેમેરામાં વપરાતી ચિપસેટ, ફર્મવેર અને તેના સોર્સની સચોટ માહિતી હોવી અનિવાર્ય છે. સૌથી મહત્વની બાબત એ છે કે કોઈપણ ઉપકરણમાં 'બેકડોર' હોવું જોઈએ નહીં, એટલે કે એવો કોઈ ગુપ્ત રસ્તો ન હોવો જોઈએ જેનાથી કેમેરામાં રેકોર્ડ થયેલો ડેટા દેશની બહાર મોકલી શકાય. આ માટે સરકાર માન્ય લેબમાં સખત પરીક્ષણ કરવામાં આવશે અને જો કોઈ પ્રોડક્ટ આ ધોરણોમાં નિષ્ફળ જશે તો તેને ભારતીય બજારમાં વેચવા માટેનું સર્ટિફિકેટ મળશે નહીં. ખાસ કરીને ચીની બ્રાન્ડ્સ પર તેની અસર એટલે વધુ જોવા મળી રહી છે કારણ કે તેઓ મોટાભાગે ચાઈનીઝ ચિપસેટ પર નિર્ભર છે, જેના કારણે તેમને નવા સુરક્ષા માપદંડો હેઠળ અપ્રુવલ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
આ નવા કાયદાકીય ફેરફારોને કારણે મેન્યુફેક્ચરર્સે હવે તેમની સપ્લાય ચેઈનમાં મોટો ફેરફાર કરવો પડશે અને અનઓથોરાઈઝ્ડ રિમોટ એક્સેસ જેવા જોખમોને ડામવા માટે મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી પડશે. બીજી તરફ, સામાન્ય ગ્રાહકો માટે આ નિર્ણય લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે કારણ કે બજારમાં હવે વધુ સુરક્ષિત અને વિશ્વાસપાત્ર સીસીટીવી ઉપકરણો ઉપલબ્ધ થશે. સીપી પ્લસ, ક્યુબો અને પ્રામા જેવી કંપનીઓ પહેલેથી જ લોકલ મેન્યુફેક્ચરિંગ અને નોન-ચાઈનીઝ કમ્પોનન્ટ્સનો ઉપયોગ વધારીને સરકારના નિયમોનું પાલન કરી રહી છે, જેના કારણે દેશમાં સ્વદેશી ટેકનોલોજી અને ડેટા સેફ્ટી પર વધુ ધ્યાન કેન્દ્રિત થશે. આ પરિવર્તનથી ચીની કંપનીઓ કાં તો ભારતીય બજારમાંથી પીછેહઠ કરશે અથવા તો તેમણે તેમના ઉત્પાદનોમાં ધરખમ ફેરફારો કરીને તેને ફરીથી સર્ટિફાય કરાવવા પડશે.