April 1, 2026
ગુજરાત

ચૈત્રી પૂનમે ચોટીલા જતા પદયાત્રીઓનું ઘોડાપૂર: ઝાલાવાડના હાઈવે પર ઠેર-ઠેર સેવા કેમ્પો ધમધમ્યા

07:04:00 PM
Save
Mar 30, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ચૈત્રી પૂનમે ચોટીલા જતા પદયાત્રીઓનું ઘોડાપૂર: </span>ઝાલાવાડના હાઈવે પર ઠેર-ઠેર સેવા કેમ્પો ધમધમ્યા</strong></p>

સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચામુંડા માતાજીના દર્શનાર્થે ચૈત્રી પૂનમ નિમિત્તે માઈભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાંથી હજારો પદયાત્રીઓ આસ્થાભેર ચોટીલા તરફ પ્રયાણ કરી રહ્યા છે, જેમની સુવિધા માટે હાઈવે પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર-ઠેર સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે.

શ્રદ્ધાનું ઘોડાપૂર: વિરમગામ-લખતર હાઇવે પર પદયાત્રીઓની ભીડ 

ચૈત્રી પૂનમે પગપાળા ચાલીને માં ચામુંડાના ધામ ચોટીલા જઈને ધજા ચડાવવાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. આ આસ્થાના પર્વ નિમિત્તે છેલ્લા 2 દિવસથી વિરમગામ-લખતર-સુરેન્દ્રનગર હાઇવે પર પદયાત્રીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર, અમદાવાદ, સાણંદ, મહેસાણા, કડી, કલોલ, બહુચરાજી, માંડલ અને વિરમગામ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ચોટીલા જવા નીકળી પડ્યા છે. ધોમધખતા તાપમાં પણ નાના બાળકોથી લઈને વૃદ્ધોમાં માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સેવાભાવીઓ મેદાને: પદયાત્રીઓ માટે નિઃશુલ્ક સુવિધાઓ 

ઝાલાવાડના રસ્તાઓ પરથી પસાર થતા આ માઈભક્તો માટે સેવાભાવી સંસ્થાઓ અને સ્થાનિક લોકો દ્વારા ઠેર-ઠેર સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા લખતર તાલુકાના વિઠ્ઠલગઢ, છારદ, ઓળક, કડુ, ગેથળા હનુમાન મંદિર, લખતર એસઆર પંપ અને ઝમર સહિતના અનેક સ્થળોએ આ કેમ્પો ધમધમી રહ્યા છે. અહીં પદયાત્રીઓને આરામ કરવા માટેની જગ્યા, ચા-પાણી, નાસ્તો, બંને સમયનું ભોજન, જરૂરી દવાઓ અને મોબાઈલ ચાર્જિંગ સહિતની તમામ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી રહી છે.

કાળઝાળ ગરમીમાં રાહત: ઠંડા પીણાં અને ફળોનું વિતરણ 

હાલમાં પડી રહેલી ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને સેવા કેમ્પોમાં વિશેષ અને રાહતરૂપ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પદયાત્રીઓને ગરમી અને થાકથી રાહત આપવા માટે ઠંડા તરબૂચ, આઈસ્ક્રીમ, સોડા, લસ્સી, લીંબુ શરબત, રસગુલ્લા અને શેરડીના રસનું સતત વિતરણ કરવામાં આવી રહ્યું છે.

દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આ સેવાઓનો લાભ લઈ રહ્યા છે અને સેવાભાવી ભાઈઓની આ નિસ્વાર્થ કામગીરીની મુક્તકંઠે સરાહના કરી રહ્યા છે. હાઈવે પર પદયાત્રીઓની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ દ્વારા પણ જરૂરી પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.