April 1, 2026
ગુજરાત

1000 અંગદાનની સિદ્ધિ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ બની દેશનું સર્વશ્રેષ્ઠ 'ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટર'

03:19:00 PM
Save
Mar 24, 2026
Share :
<p>1000 અંગદાનની સિદ્ધિ: <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અમદાવાદ સિવિલ હોસ્પિટલ બની દેશનું સર્વશ્રેષ્ઠ 'ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટર'</strong></span></p>

અમદાવાદની સિવિલ હોસ્પિટલે અંગદાન ક્ષેત્રે એક અનોખો અને ઐતિહાસિક માઇલસ્ટોન હાંસલ કર્યો છે. 27  ડિસેમ્બર 2020થી શરૂ થયેલા અંગદાનના ભગીરથ કાર્યક્રમે આજે માત્ર 5 વર્ષ અને 87 દિવસના ટૂંકા ગાળામાં કુલ 1000 અંગો તથા પેશીઓના દાન મેળવવાની વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સફળતાએ સિવિલ હોસ્પિટલને ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં અંગદાન ક્ષેત્રે અગ્રેસર સંસ્થા તરીકે પ્રસ્થાપિત કરી છે. આ ઐતિહાસિક 1000મો આંકડો સંખેડાના 60 વર્ષીય રમેશભાઈ બાબુભાઈ તડવીના અંગદાન સાથે પૂર્ણ થયો છે.

માર્ગ અકસ્માત બાદ સારવાર દરમિયાન તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આવી અત્યંત દુઃખદ પરિસ્થિતિમાં પણ તેમની પત્ની નાથીબેન અને પરિવારજનોએ મક્કમતા બતાવી રમેશભાઈના અંગોનું દાન કરવાનો હૃદયસ્પર્શી નિર્ણય લીધો હતો, જે સમાજ માટે પ્રેરણારૂપ છે.રમેશભાઈ તડવીના આ અંગદાન થકી એક લીવર, બે કિડની અને બે આંખો પ્રાપ્ત થઈ છે. આ અંગો દ્વારા પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન અને રોશની પ્રાપ્ત થશે. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષી જણાવે છે કે અંગદાન એ માત્ર દાન નથી, પરંતુ ‘જીવનથી જીવન સુધી’ ની એક પવિત્ર સફર છે, જે કોઈના પરિવારનો દીવો બુઝાતો બચાવે છે.

આ ઉમદા કાર્યને કારણે અત્યાર સુધીમાં 745થી વધુ ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને સફળ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવું જીવન મળ્યું છે. આ સફળતા પાછળ હોસ્પિટલનું મજબૂત ટીમવર્ક અને પારદર્શક સંકલન જવાબદાર છે. સિવિલ હોસ્પિટલની આ શ્રેષ્ઠ કામગીરીની નોંધ રાષ્ટ્રીય સ્તરે પણ લેવામાં આવી છે. મુખ્યમંત્રીએ પણ અગાઉ અંગદાતાઓના પરિવારોનું સન્માન કરી આ સેવાયજ્ઞને બિરદાવ્યો હતો.

અંગદાનના આ કાર્યમાં દરેક વયના લોકોએ સહયોગ આપ્યો છે, ડૉ. રાકેશ જોષીના જણાવ્યા મુજબ, જો સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃતિ અને સંવેદના વધશે, તો ભવિષ્યમાં કોઈ પણ દર્દી અંગોની અછતને કારણે જીવ ગુમાવશે નહીં. સિવિલ હોસ્પિટલની આ સિદ્ધિ માત્ર એક આંકડો નથી, પરંતુ માનવતાની એક જીવંત ગાથા છે, જ્યાં શોકની પળોમાં લેવાયેલો નિઃસ્વાર્થ નિર્ણય અનેક પરિવારોમાં ખુશીઓનો દીપ પ્રગટાવે છે.