ઘરને ચમકાવવા માટે માત્ર ફ્લોર નહીં, પડદાની સફાઈ પણ છે જરૂરી....આ રહી પડદાને નવા જેવા રાખવાની સરળ ટિપ્સ
શું તમે જાણો છો કે તમારા ઘરની સુંદરતા વધારતા આકર્ષક પડદા ગંભીર બીમારીઓનું ઘર બની શકે છે? મોટાભાગના લોકો ઘરના ખૂણેખૂણાની સફાઈ કરે છે, પરંતુ પડદા ધોવાની બાબતમાં મહિનાઓ સુધી આળસ કરે છે. જો તમે પણ વર્ષમાં માત્ર એકાદ વાર જ પડદા સાફ કરો છો, તો સાવધાન! આ આદત તમારા પરિવારના સ્વાસ્થ્ય, ખાસ કરીને શ્વાસ અને ત્વચા સંબંધિત સમસ્યાઓ માટે જવાબદાર હોઈ શકે છે. કેટલા સમયના અંતરે પડદા ધોવા અનિવાર્ય છે. ઘરના વાતાવરણ અને હવાની શુદ્ધતા જાળવવામાં પડદા મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે તેઓ બહારથી આવતી ધૂળ, ધુમાડો અને એલર્જન્સને રોકે છે.
પરંતુ, લાંબા સમય સુધી પડદા સાફ ન કરવાથી તેમાં જમા થયેલી ગંદકી અસ્થમા અને એલર્જી જેવી બીમારીઓ નોતરે છે. વાતાવરણ અને લોકેશન મુજબ પડદા ધોવાના નિયમો અલગ-અલગ હોય છે. દરેક વ્યક્તિ પોતાના ઘરને સુંદર બનાવવા માટે મોંઘા અને આકર્ષક પડદા લગાવે છે. ઘરના ખૂણેખૂણાની સફાઈ દર સપ્તાહે કરવામાં આવતી હોય છે, પરંતુ મોટાભાગના લોકો ઘરના પડદા સાફ કરવાનું ભૂલી જતા હોય છે. કેટલાક લોકો તો 4 થી 6 મહિના સુધી પડદા ઉતારવાની તસ્દી પણ લેતા નથી. લોકો માને છે કે પડદા માત્ર ધૂળ રોકે છે, પરંતુ લાંબા સમય સુધી તેની સફાઈ ન કરવામાં આવે તો તે ઘરના વાતાવરણ અને પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.
વાતાવરણ મુજબ પડદા ધોવાનો યોગ્ય સમય
પડદા કેટલી વાર ધોવા જોઈએ તેનો કોઈ ચોક્કસ નિયમ નથી, પરંતુ તે તમારા ઘરની આસપાસના વાતાવરણ પર નિર્ભર કરે છે. જો તમે શાંત અને હરિયાળા વિસ્તારમાં રહો છો, તો વર્ષમાં એક કે બે વાર પડદા ધોવા પૂરતા છે. પરંતુ જો તમારું ઘર મેઈન રોડ પર હોય અથવા જ્યાં ધૂળ અને ધુમાડો વધુ હોય, તો તમારે દર 3 થી 6 મહિને પડદા સાફ કરવા જ જોઈએ. પ્રદૂષણના કણો પડદાના રેસામાં ભરાઈ રહે છે જે નરી આંખે દેખાતા નથી.
પાલતુ પ્રાણીઓ અને નાના બાળકોની સુરક્ષા
જે ઘરમાં કૂતરા, બિલાડી કે અન્ય રુવાંટીવાળા પાલતુ પ્રાણીઓ હોય, ત્યાં પડદા વધુ ઝડપથી ગંદા થાય છે. પ્રાણીઓના શરીરના વાળ અને 'ફર' હવામાં ઉડીને પડદા પર ચોંટી જાય છે. ખાસ કરીને જે ઘરમાં નાના બાળકો હોય, ત્યાં સ્વચ્છતાનું સ્તર જાળવવું ખૂબ જરૂરી છે. બાળકો અવારનવાર પડદાને અડતા હોય છે અથવા તેની પાછળ છુપાતા હોય છે, જે ગંદા હોવાને કારણે તેમને એલર્જી કે ચેપ લગાડી શકે છે.
કિચન અને બાથરૂમના પડદા માટે વિશેષ કાળજી
રસોડા અને બાથરૂમમાં લાગેલા પડદા સામાન્ય પડદા કરતા વધુ ઝડપથી ગંદા અને ચીકણા થાય છે. રસોડામાં ભોજન બનાવતી વખતે ઉડતા તેલના કણો, મસાલા અને વરાળને કારણે પડદા પર ચીકાશ અને વિચિત્ર ગંધ બેસી જાય છે. તેવી જ રીતે બાથરૂમમાં સતત ભેજ રહેવાને કારણે પડદા પર ફૂગ અને લીલ જામવાની શક્યતા રહે છે. આથી, ઘરના અન્ય ભાગોના પડદા કરતા કિચન અને બાથરૂમના પડદા દર મહિને સાફ કરવા હિતાવહ છે.
સ્વાસ્થ્ય સંબંધિત જોખમો અને સફાઈની ટિપ્સ
ગંદા પડદા માત્ર ગંદકી જ નહીં પણ અસ્થમા, શ્વાસની તકલીફ અને ત્વચાની એલર્જી જેવી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. પડદા સાફ કરવા માટે હંમેશા ઠંડા પાણી અને હળવા ડિટર્જન્ટનો ઉપયોગ કરવો જોઈએ જેથી તેનું ફેબ્રિક ખરાબ ન થાય. જો તમે વોશિંગ મશીનનો ઉપયોગ કરતા હોવ, તો મશીનને કપડાંથી અતિશય ન ભરો જેથી સફાઈ યોગ્ય રીતે થાય. પડદાને ધોયા પછી સીધા લટકાવીને સૂકવવાથી તેમાં કરચલીઓ ઓછી પડે છે અને તે નવા જેવા દેખાય છે.