હોદ્દો બાજુ પર, સ્નેહનું ભાણું સાથે.....અમદાવાદના ઘાટલોડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે માણી 'ટિફિન પાર્ટી'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના પ્રસારણ બાદ, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક અનોખો દ્રશ્ય જોવા મળ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મતક્ષેત્ર ઘાટલોડિયામાં ભાજપના પાયાના કાર્યકર્તાઓ સાથે મળીને 'ટિફિન પાર્ટી'નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ માત્ર ભોજન પૂરતો સીમિત ન રહેતા, સંગઠન અને આત્મીયતાના પ્રતીક સમાન બની રહ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હંમેશા તેમના 'મૃદુ અને મક્કમ' સ્વભાવ માટે જાણીતા છે.
આજે પણ તેમણે કોઈ પણ પ્રકારના પ્રોટોકોલ કે ભપકા વગર, સામાન્ય કાર્યકર્તાની જેમ જમીન પર બેસીને પોતાનું ટિફિન ખોલ્યું હતું. કાર્યકર્તાઓના ઘરેથી આવેલા દેશી ભોજનની લિજ્જત મુખ્યમંત્રીએ માણી હતી અને સામે પક્ષે કાર્યકર્તાઓએ પણ મુખ્યમંત્રી સાથે ભોજન વહેંચવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.આ ટિફિન બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓ સાથે અનૌપચારિક વાતચીત કરી હતી. તેમણે કાર્યકર્તાઓના ખબર-અંતર પૂછ્યા હતા અને સંગઠનને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી.
'ટિફિન ડિપ્લોમેસી'થી નેતા અને કાર્યકર્તા વચ્ચેનું અંતર ઘટે છે અને પાયાના સ્તરે ઉત્સાહનો સંચાર થાય છે.ઘાટલોડિયાના સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓએ આ આયોજનને આવકાર્યું હતું. કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી અમારી સાથે બેસીને ઘરનું ભોજન જમે તે અમારા માટે ગૌરવની વાત છે. મુખ્યમંત્રીની આ ટિફિન પાર્ટીએ સમાજમાં સમરસતા અને એકતાનો સંદેશ આપ્યો છે. ભોજનના માધ્યમથી લોકો સાથે જોડાવાની આ પરંપરા ભાજપના સંગઠનમાં વર્ષોથી ચાલી આવે છે, જેને આજે મુખ્યમંત્રીએ વધુ વેગવંતી બનાવી હતી.