વાહ રે કોંગ્રેસ! અમદાવાદના પાલડીમાં લઘુમતી ઉમેદવાર ઉતારતા ભાજપના તેજાબી પ્રહાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત થતાની સાથે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત અને મોટી એવી અમદાવાદ મહાનગરપાલિકાના જંગ માટે કોંગ્રેસે શાસક પક્ષ ભાજપ કરતા એક ડગલું આગળ વધીને પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. અમદાવાદના 48 વોર્ડ પૈકી મહત્વના વોર્ડ માટે નામોની જાહેરાત થતા જ રાજકીય સમીકરણો બદલાયા છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં સૌથી વધુ ચર્ચા અમદાવાદના પાલડી વોર્ડ નં. 30 વિસ્તારની થઈ રહી છે. કોંગ્રેસે આ બેઠક પરથી લઘુમતી ઉમેદવાર તરીકે ફાહેજાબાનુ મો. ફારુક શેખને મેદાનમાં ઉતાર્યા છે.
પાલડી જેવા હિન્દુ બહુમતી ધરાવતા અને અશાંતધારા હેઠળ આવતા વિસ્તારમાં લઘુમતી ઉમેદવારને ટિકિટ આપવાના નિર્ણયે ભાજપ છાવણીમાં હલચલ મચાવી દીધી છે. કોંગ્રેસની આ યાદી જાહેર થતાની સાથે જ એલિસબ્રિજ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય અમિત શાહે સોશિયલ મીડિયા પર મોરચો ખોલ્યો છે. તેમણે કોંગ્રેસના આ પગલાને આડેહાથ લેતા વ્યંગાત્મક પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે, "વાહ રે કોંગ્રેસ વાહ, પાલડીમાં લઘુમતી ઉમેદવાર!" આ નિવેદન દ્વારા તેમણે કોંગ્રેસની વોટબેંકની રાજનીતિ પર સીધો નિશાન સાધ્યો છે. ધારાસભ્ય અમિત શાહે માત્ર કટાક્ષ કરીને સંતોષ ન માનતા, પાલડી વિસ્તારમાં વસ્તીના બદલાતા માળખા અંગે પણ ગંભીર સંકેત આપ્યા છે.
તેમણે મક્કમતાપૂર્વક જણાવ્યું છે કે, આ વિસ્તારમાં અશાંતધારાનો અમલ ડંકાની ચોટ પર અને અત્યંત કડકાઈથી કરવામાં આવશે. આ નિવેદન દ્વારા ભાજપે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ વિસ્તારમાં જમીનની ફેરબદલ કે વસ્તીના બદલાતા સમીકરણોને સાંખી લેશે નહીં. પાલડી વોર્ડ માટે કોંગ્રેસે જે પેનલ જાહેર કરી છે તેમાં ફાહેજાબાનુ શેખ ઉપરાંત સીમાબેન સોલંકી, અર્જુન પ્રહલાદભાઈ નાયક અને રાગીનકુમાર રમેશભાઈ બેંકરનો સમાવેશ થાય છે. કોંગ્રેસે આ યાદીમાં જ્ઞાતિ અને જાતિના સમીકરણો સાધવાનો પ્રયાસ કર્યો છે,
પરંતુ લઘુમતી ઉમેદવારના નામે અત્યારે આખા અમદાવાદમાં ચર્ચા જગાવી છે. અગાઉ પણ પાલડી વિસ્તારમાં વધતા જતાં લઘુમતી પ્રભુત્વને લઈને સ્થાનિક રહીશો અને ભાજપ દ્વારા અનેકવાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. હવે જ્યારે ચૂંટણીમાં સીધી ટક્કર થવાની છે, ત્યારે ભાજપ આ મુદ્દાને રાષ્ટ્રીય અને સુરક્ષાના દૃષ્ટિકોણથી રજૂ કરશે તેવું દેખાઈ રહ્યું છે. આગામી દિવસોમાં પાલડીના મતદારો કોના પક્ષમાં પોતાનો જનાદેશ આપે છે તેના પર સૌની મીટ મંડાયેલી રહેશે.