April 1, 2026
રાજનીતિ

દિલ્હીમાં કોંગ્રેસના સરનામા બદલાશે? એસ્ટેટ વિભાગે ઓફિસો ખાલી કરવા આપી નોટિસ, પાર્ટી કોર્ટના દ્વાર ખખડાવશે?

01:04:00 PM
Save
Mar 25, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>દિલ્હીમાં કોંગ્રેસના સરનામા બદલાશે? </strong></span>એસ્ટેટ વિભાગે ઓફિસો ખાલી કરવા આપી નોટિસ, પાર્ટી કોર્ટના દ્વાર ખખડાવશે?</p>

દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના દાયકાઓ જૂના અને ઐતિહાસિક સરનામા પર હવે સંકટના વાદળો છવાયા છે. કેન્દ્ર સરકારના એસ્ટેટ વિભાગે 24, અકબર રોડ સ્થિત મુખ્ય કાર્યાલય અને રાયસીના હિલ રોડ પર આવેલી યુથ કોંગ્રેસની ઓફિસને 28 માર્ચ સુધીમાં ખાલી કરવા માટે આખરી નોટિસ ફટકારી છે. આ આદેશ સામે કોંગ્રેસે રાજકીય કિન્નાખોરીનો આક્ષેપ કરી કાનૂની લડત આપવાની તૈયારીઓ શરૂ કરી છે, જેના કારણે દિલ્હીના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

અકબર રોડ સ્થિત પોતાની જૂની ઓફિસ આગામી 28 માર્ચ સુધીમાં ખાલી કરવી પડશે. પાર્ટીને આ સ્થાનાંતરણ માટે માત્ર 3 દિવસનો મર્યાદિત સમય આપવામાં આવ્યો છે, જેને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે.નોંધનીય છે કે કોંગ્રેસનું સત્તાવાર મુખ્યાલય પહેલેથી જ 'ઇન્દિરા ભવન'માં શિફ્ટ થઈ ચૂક્યું છે, પરંતુ અકબર રોડના બંગલાનો ઉપયોગ હાલમાં રહેણાંક હેતુ માટે કરવામાં આવી રહ્યો છે. રાયસીના હિલ્સ રોડ પર કાર્યરત ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યાલયને પણ ખાલી કરવા માટે અલગથી નોટિસ જારી કરી છે. આમ, કોંગ્રેસના વર્ષો જૂના તમામ ઠેકાણાઓ પર હવે વહીવટી તલવાર લટકી રહી છે.

કેન્દ્ર સરકારના આ કડક વલણ સામે કોંગ્રેસે મક્કમ વિરોધ નોંધાવ્યો છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ આ નોટિસ સામે કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસનો મુખ્ય આરોપ છે કે સરકાર દ્વારા માત્ર વિપક્ષને જ નિશાન બનાવવામાં આવે છે, 252 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ ભવ્ય ભવનનો શિલાન્યાસ 2009માં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધીએ કર્યો હતો. 

ઇન્દિરા ગાંધી માટે આ ઓફિસ 'લકી ચાર્મ' સાબિત થઈ હતી, કારણ કે અહીં આવ્યા બાદ 1980માં તેઓ ફરી સત્તામાં પરત ફર્યા હતા. આ ઓફિસે ઇન્દિરા ગાંધીથી લઈને મનમોહન સિંહ સુધીના ચાર વડાપ્રધાનોના સુવર્ણકાળની સાક્ષી પૂરી છે. લ્યુટિયન્સ ઝોનમાં ટ્રાફિક અને ભીડને ઓછી કરવા માટે સુપ્રીમ કોર્ટે તમામ રાજકીય પક્ષોને તેમની ઓફિસો બહાર ખસેડવા નિર્દેશ આપ્યો હતો. ભાજપે 2018માં જ દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર પોતાની ઓફિસ શિફ્ટ કરી દીધી હતી. જો કે, કોંગ્રેસને ફાળવવામાં આવેલા ચાર બંગલાઓની ફાળવણી કેન્દ્ર સરકારે 2015માં જ રદ કરી દીધી હતી.

હાલમાં કોંગ્રેસના ટોચના નેતાઓ અને કાનૂની સલાહકારો 28 માર્ચની ડેડલાઈન પહેલા સ્ટે ઓર્ડર મેળવવા અથવા વધુ સમય મેળવવા માટે મથામણ કરી રહ્યા છે. જો કોર્ટ તરફથી કોઈ રાહત નહીં મળે, તો કોંગ્રેસે દિલ્હીના હાર્દ સમાન આ ઐતિહાસિક સ્થળોએથી પોતાનો સામાન સમેટવો પડશે. આવનારા દિવસોમાં આ મુદ્દે કેન્દ્ર અને વિપક્ષ વચ્ચેના સંઘર્ષમાં મોટો ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે.