રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન : "રાજકોટનો એક જ નાદ : ભાજપના ભ્રષ્ટાચારનો કરો વિનાશ" ના પોસ્ટરો સાથે વિરોધ નોંધાવ્યો...
રાજકોટના હાર્દ સમાન ત્રિકોણ બાગથી આજે રાજકોટ મહાનગરપાલિકાની કચેરી સુધી કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર અને પક્ષપાતી વહીવટ વિરુદ્ધ એક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસના નેતૃત્વમાં યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. રાજકોટનો એક જ નાદ : ભાજપના ભ્રષ્ટાચારનો કરો વિનાશે જેવા અનેક સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી દીધું હતું. જોકે, આ આંદોલનને ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું, જેમાં વિરોધ કરવા પહોંચેલા કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર પાર્ક કરેલા વાહનોને પોલીસે લોક મારી દેતા મામલો વધુ બિચક્યો હતો. કમિશનર કચેરી પાસેનો ગેટ પોલીસે બંધ કરી દેતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે કોર્પોરેશન ચોક વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી.
કોંગ્રેસે આ વિરોધ પ્રદર્શન દરમિયાન તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મનપાના અધિકારીઓ સામાન્ય જનતા માટે અલગ અને સત્તાધારી પક્ષના નેતાઓ માટે અલગ કાયદા ચલાવી રહ્યા છે. અધિકારીઓએ જંગલેશ્વર જેવા વિસ્તારોમાં કાફલો ઉતારીને મોટા પાયે ડિમોલિશનની કામગીરી કરી ગરીબોના આશિયાના છીનવી લીધા, પરંતુ જ્યારે વર્તમાન મેયરના પતિ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામની વાત આવી ત્યારે તંત્ર જાણે 'લાજ કાઢી રહ્યું હોય' તેમ મૌન સેવીને બેઠું છે તેવાં આક્ષેપો કર્યા હતાં.
પૂર્વ મેયરના પતિના ગેરકાયદે બાંધકામો સામે પણ કોઈ જ નક્કર કાર્યવાહી ન થતા કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભ્રષ્ટાચારના પાપે રાજકોટનું હિત જોખમાઈ રહ્યું છે અને અધિકારીઓ માત્ર શાસકોના ઈશારે જ કામ કરી રહ્યા છે.
આક્રમક મિજાજ સાથે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે અંતે મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળીને પ્રજાના પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી. ઘટનાને પગલે રાજકોટના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.